કડીમાં વરસાદ બાદ રોડ રસ્તાની હાલત દયનીય બની છે, ઘુમટીયાથી કુંડાળ પાટિયા સુધીનો માર્ગ બિસ્માર બન્યો છે, રોડ પર ખાડારાજને લઈ વાહનચાલકો પરેશાન થયા છે. મસમોટા ખાડાઓથી સ્થાનિકોને પણ હાલાકી પડી રહી છે, રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માગ સ્થાનિકોમાં ઉઠી છે.
કડીના ઘુમટીયા વિસ્તારમાં રોડ બને તેવી માગ સ્થાનિકોએ ઉચ્ચારી
કડી શહેરના ઘુમટીયા વિસ્તારથી કુંડાળ પાટિયા સુધીનો માર્ગ ખખડધજ થઈ ગયો છે, વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિકો પરેશાન થઈ ગયા છે માર્ગ પર ખાડા પડી ગયા છે માર્ગ તૂટી જવાથી કપચીઓ પણ બહાર આવી ગઈ છે અને મોટા ખાડા પડી ગયા છે જેને કારણે વાહન ચાલકોને ભારે હાલકી ભોગવવી પડે છે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર બિસ્માર માર્ગના કારણે નાના મોટા અકસ્માતો સર્જાય છે અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે, માર્ગ અંગે સ્થાનિકો દ્વારા તંત્ર અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી તંત્ર દ્વારા સત્વરે માર્ગ બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.
ભારે વરસાદના કારણે નુકસાન ના થાય રોડને તેને લઈ ગ્રાન્ટ
રાજ્યની 149 નગરપાલિકાઓને કુલ 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ રોડ રિપેરીંગ માટે ફાળવવા મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે, નગરપાલિકાઓની કેટેગરી મુજબ 1 કરોડથી 40 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ ફાળવાશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ભારે નુકસાન થાય તો રિસરફેસ અને રિપેરીંગ કામગીરી તાકીદે શરૂ થઈ શકે તેવું આગોતરું આયોજન કર્યું છે.
નગરપાલિકાના વર્ગ પ્રમાણે ગ્રાન્ટ અપાશે
તદઅનુસાર, ‘અ’ વર્ગની 37 નગરપાલિકાઓને પ્રત્યેકને 1 કરોડ પ્રમાણે કુલ 37 કરોડ, ‘બ’ વર્ગની 34 નગરપાલિકાઓને દરેકને 80 લાખ મુજબ 27 કરોડ, ‘ક’ વર્ગની 61 નગરપાલિકાઓને નગરપાલિકાદીઠ 60 લાખ પ્રમાણે કુલ 36 કરોડ તેમજ ‘ડ’ વર્ગની 17 નગરપાલિકાઓને પ્રતિ નગરપાલિકા 40 લાખ પ્રમાણે કુલ 6.80 કરોડ મળીને સમગ્રતયા 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા સંબંધિત નગરપાલિકાઓને ફાળવવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના નગરોમાં જો ચોમાસાં દરમિયાન ભારે વરસાદના કારણે માર્ગોને વધુ નુકસાન થાય તો તેમને ફાળવવામાં આવેલી આ રકમ ઉપરાંત નગરપાલિકાઓની વધુ જરૂરિયાત અને માંગણી મુજબ રોડ રિપેરિંગ માટે નાણાં ફાળવવાનો પ્રજાલક્ષી અભિગમ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે.













