મહેસાણા શહેરના ઇતિહાસમાં પ્રથમવાર ભારતીય વાયુસેનાની ગૌરવશાળી 'સૂર્યકિરણ એરોબેટિક ટીમ' દ્વારા શાનદાર એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇતિહાસિક પ્રસંગે 'સૂર્યકિરણ' ટીમના 9 હોક વિમાનના પાયલોટોએ આકાશમાં દિલધડક સ્ટંટ્સ અને એરોબેટિક કરતબોનું પ્રદર્શન કર્યું હતું. 900 થી 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરતા આ વિમાનોએ આકાશમાં અલગ-અલગ આકાર બનાવીને મહેસાણાના આકાશને શૌર્યના રંગોથી રંગી દીધું હતું. આ ભવ્ય અને રોમાંચક નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.


એશિયાની ગૌરવશાળી ટીમનું પ્રદર્શન

સૂર્યકિરણ એરોબેટિક ટીમ એશિયાની એકમાત્ર એવી ટીમ છે જે એકસાથે 9 જેટ્સ સાથે એરોબેટિક પ્રદર્શન કરે છે, જે ભારત માટે ગૌરવની વાત છે. આ ટીમે તેમની અજોડ ચોકસાઈ અને શિસ્તનું પ્રદર્શન કર્યું હતું, જેમાં વિમાનો એકબીજાથી માત્ર થોડાક જ મીટરના અંતરે ઉડાન ભરીને જડબાતોડ ફોર્મેશન બનાવતા જોવા મળ્યા હતા. આ એર શોમાં લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ અને સિગ્નેચર 'ડીએનએ મનુવર' જેવા આકર્ષક દાવપેચ જોઈને દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

યુવાનોમાં રાષ્ટ્રભાવનાનું સિંચન

વાયુસેના દ્વારા આ પ્રકારના એર શોના આયોજનનો મુખ્ય હેતુ દેશના યુવાનો અને નાગરિકોમાં ભારતીય સશસ્ત્ર દળો પ્રત્યે આકર્ષણ ઊભું કરવાનો અને રાષ્ટ્રભક્તિની ભાવના પ્રજ્વલિત કરવાનો છે. મહેસાણામાં યોજાયેલા આ ભવ્ય પ્રદર્શને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનોને ભારતીય વાયુસેનામાં જોડાવા માટે પ્રેરિત કર્યા હશે. આ સફળ આયોજનથી મહેસાણા શહેરના લોકોએ વાયુસેનાની તાકાત અને શૌર્યનો અદ્ભૂત અનુભવ કર્યો હતો.


  • Follow us on: