મહેસાણા જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા એકસાથે મોટા પાયે બદલીના ગંજીપો ચીપવામાં આવ્યો છે. આ આદેશ જાહેર થતાં જ સમગ્ર જિલ્લાના પોલીસ વિભાગ અને જુદા-જુદા પોલીસ મથકોમાં ભારે હલચલ મચી ગઈ છે.
એકસાથે 252 કર્મચારીઓને બદલીના આદેશ
મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ અનુસાર, મહેસાણા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો, બ્રાન્ચ અને આઉટપોસ્ટમાં ફરજ બજાવતા કુલ 252 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી કરી દેવામાં આવી છે.

બદલી પામેલા કર્મચારીઓમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ સહિતના વિવિધ કેડરના પોલીસ જવાનોનો સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં સામૂહિક બદલીઓ થવાના કારણે આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે પોલીસિંગ વ્યવસ્થામાં મોટા ફેરફારો જોવા મળશે.

'જાહેરહિત' અને કર્મચારીઓની અનુકૂળતાને અગ્રતા
પોલીસ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સામૂહિક આંતરિક બદલીઓ વહીવટી સરળતા ખાતર અને સંપૂર્ણપણે 'જાહેરહિત'ને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

આ બદલીઓની ખાસ વાત એ પણ રહી છે કે, લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અને ઘર-પરિવારની જવાબદારીના કારણે બદલી ઈચ્છતા ઘણા કર્મચારીઓને તેમની અનુકૂળતા મુજબના પોલીસ મથકોમાં પોસ્ટિંગ પણ આપવામાં આવ્યું છે. જેને પગલે કેટલાક પોલીસ કર્મચારીઓમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - Mehsana News: કડી પંથકમાં 10 દિવસમાં 4 હત્યાથી હાહાકાર, એક્શન મોડમાં ખાખી