મહેસાણામાં વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બે દિવસીય સમિટનો પ્રારંભ થયો. આ ખાસ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત ઉદ્યોગમંત્રી બળવંતસિહ રાજપૂત અને અન્ય આગેવાનો પણ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા. VGRCમાં ટ્રેડ શૉ અને એક્ઝિબિશન ઉદ્ઘાટન કરાયું. CM સહિત મહાનુભાવોએ VGRC પ્રદર્શનની મુલાકાત લીધી.


વાઇબ્રન્ટ સમિટમાં દિગ્ગજ મહેમાનોની હાજરી

VGRCમાં વિવિધ ક્ષેત્રોના ઉત્પાદનો અને ટેક્નોલોજીનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શન દ્વારા રોકાણકારો, MSMEs, સ્ટાર્ટઅપ્સને સાથે લાવવા પ્રયાસ કરાયો છે. વાઇબ્રન્ટ સમિટમાં જાપાન, દ.કોરિયા, વિયેતનામ અને નેધરલેન્ડ સહિતના દેશો ભાગીદાર બનશે. આ કાર્યક્રમમાં વિવિધ દેશોના પ્રતિનિધિ મંડળ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહેમાનો અને ઉત્સાહી ઉદ્યોગકારોને સંબોધતા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે દેશો વચ્ચે પારસ્પરિક સંવાદિતા વધે અને ઉદ્યોગનો વિકાસ થાય તે પ્રયોજન હેતુ આ સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સમિટ થકી નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય છે.

વાયબ્રન્ટ સમિટની શરૂઆત ગુજરાતથી જ થઈ

કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આગામી સમયમાં બહુચરાજી તરફ લોજેસ્ટિક વ્યવસ્થામાં સુધારો થશે. વાયબ્રન્ટ કોન્ફરન્સનું ખૂબ સુંદર આયોજન થયું છે. જો કે વાયબ્રન્ટ સમિટની શરૂઆત ગુજરાતથી જ થઈ હતી. ગુજરાત ઉદ્યોગસાહસિકોની ધરતી છે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતની નોંધપાત્ર પ્રગતિ થઈ છે. વિકાસ કાર્યોને વેગ મળ્યો છે. સમગ્ર વિશ્વમાં ગુજરાત મોડેલનો અભ્યાસ કરવામાં આવે છે. ગુજરાતના આ વિકાસ મોડેલ પાછળ PM મોદી છે.

રેલવેના અનેક નવા પ્રોજેક્ટ્સ ગુજરાતમાં 

11 વર્ષમાં ગુજરાતમાં 2764 કિ.મી રેલવે ટ્રેક બન્યા છે. રેલવેમાં લોજિસ્ટિક ખર્ચને ઓછો કરવા પર ફોકસ રહેશે. એક દેશના રેલવે નેટવર્ક જેટલા ટ્રેક ગુજરાતમાં બન્યા. ગુજરાતમાં કુલ 1.46 લાખ કરોડનું રેલવેનું રોકાણ છે. રેલવેના અનેક નવા પ્રોજેક્ટ્સ ગુજરાતમાં બને છે. ગુજરાતના 87 રેલવે સ્ટેશનોનું નવીનિકરણ થઈ રહ્યુ છે. 332 રેલવે બ્રિજ, અન્ડરબ્રિજ બની રહ્યા છે. અને અત્યારે બુલેટ ટ્રેનનું કામ ખૂબ સરસ રીતે ચાલે છે. ઓગષ્ટ 2027માં પહેલી બુલેટ ટ્રેન ચલાવવાનું લક્ષ્યાંક છે. ગુજરાતના અધિકારીઓ, મંત્રીઓની મદદ બદલ ધન્યવાદ.

ભારતના વિકાસમાં ગુજરાતનો મહત્વનો ફાળો, CM ભૂપેન્દ્ર પટેલ

વાઇબ્રન્ટ ગુજરાત રિજિઓનલ સમિટનું આયોજન સમિટમાં CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે PM મોદીએ વાયબ્રન્ટ સમિટનો વિચાર આપ્યો છે. વાયબ્રન્ટ સમિટની ઉત્તરોતર પ્રગતિ થઇ. ગુજરાત FDI મેળવવામાં અગ્રેસર રહ્યું છે. ભારતના વિકાસમાં ગુજરાતનો મહત્વનો ફાળો છે. ગુજરાત આર્થિક મોડલ બન્યું અને આજે ગુજરાત દેશના ટોચના રાજ્યોમાં છે. ઉત્તર ગુજરાત વિકાસ યાત્રાનું સાક્ષી છે.

ઉદ્યોગોને ગ્લોબલ પ્લેટફોર્મ મળશે

2024માં 7 હજાર MoU ઉત્તર ગુજરાત માટે થયા. ઉદ્યોગ માટે પાણી ખૂબ મહત્વ છે. સુજલામ સુફલામ યોજનાથી પાણી પહોંચાડ્યું. વીજળી અને પાણી મળતા વિસ્તારને લાભ થયું. એગ્રિકલ્ચરમાં વેલ્યુ એડિશન થતા કમાણી વધી. સૂર્ય શક્તિના ઉપયોગ માટે સોલર પ્લાન્ટ બનાવ્યો. મોઢેરા દેશનું સૌર્ય ગ્રામ બન્યું છે. માંડલ અને બહુચરાજી ઉદ્યોગથી ધમધમતા થયા. સ્થાનિક ઉદ્યોગોને ગ્લોબલ પ્લેટફોર્મ મળશે. ડેરી, ફૂડ પ્રોસેસિંગ યુનિટોને આવરી લેવાશે.

  • Follow us on: