હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી કરી છે. જે મુજબ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે આ વરસાદી માહોલ સર્જાયો છે. આજે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.


સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગાહી

રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં પણ આજે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને 27, 28 અને 29 સપ્ટેમ્બરના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આથી સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવા અને જરૂરી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે. વરસાદની સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ચેતવણી જારી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

28 સપ્ટેમ્બરના રોજ દરિયામાં તોફાની પવન અને ઊંચી લહેરો ઉછળવાની આગાહી હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને પણ વાતાવરણને ધ્યાનમાં રાખીને જ બહાર નીકળવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે. આ વરસાદ ચોમાસાની વિદાય પહેલાનો અંતિમ તબક્કો હોઈ શકે છે.


  • Follow us on: