ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 48 કલાક દરમિયાન મૂશળધાર વરસાદ વરસ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના અનેક વિસ્તારો સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આવતીકાલે છૂટા-છવાયા સ્થળોએ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ધરોઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી જાળવી રાખવા માટે આઠ ગેટ 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.
ભારે વરસાદને કારણે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ
ધરોઈ ડેમમાં ઉપરવાસમાંથી આવેલા પાણીની સતત આવક થઈ રહી છે. ડેમની સપાટીને જાળવી રાખવા માટે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. સાબરમતી નદીમાંથી 1 લાખ 7 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. પાણી છોડાતા સાબરમતી નદી ભયજનક સપાટી પર પહોંચી છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. બીજી તરફ સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં ગાંધીનગર કલેક્ટર દ્વારા લોકોને નદી કાંઠે નહીં જવા અપીલ કરી છે. ભારે વરસાદને કારણે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે.
તંત્ર દ્વારા કૂંડમાં વિસર્જન કરવા સૂચના અપાઈ
ગણેશ વિસર્જન સમયે નદીકાંઠે નહીં જવા અપીલ કરાઈ છે. તંત્ર દ્વારા કૂંડમાં વિસર્જન કરવા સૂચના અપાઈ છે. ગાંધીનગર કલેક્ટર દ્વારા માણસા અને ગાંધીનગર તાલુકાના 28 ગામોને એલર્ટ કરાયા છે. બીજી તરફ સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. ધરોઈ ડેમમાથી પાણી છોડાતા નદી ભયજનક સપાટી પર પહોંચી છે. ખેડામાં નાની કલોલી અને પથાપુરાના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. રસિકપુરા ગામોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. પાણી છોડવામાં આવતા ખેડા તાલુકાના 12 ગામોને અસર પહોંચી છે.