ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 31 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સિઝનના કુલ વરસાદની વાત કરીએ તો ગત જૂન મહિનામાં ચાલુ સિઝનનો 32 ટકા વરસાદ નોંધાયો હતો. જે જુલાઈ મહિનાની 11 તારીખ સુધીમાં 44.77 ટકા વરસાદ નોંધાયો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં સાજે વરસાદી ઝાપટુ પડતાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.
દક્ષિણ ગુજરાતમાં 52.18 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં ઝોન પ્રમાણે ચાલુ સિઝનમાં થયેલા આજ સુધીના કુલ વરસાદની સ્થિતિની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 42.08, કચ્છમાં 57.93, મધ્ય પૂર્વ ગુજરાતમાં 45.90, સોરાષ્ટ્રમાં 47.01 અને દક્ષિણ ગુજરાતમાં 52.18 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 31 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. 12 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદનું યેલો એલર્ટ અપાયું છે.
રાજ્યમાં કુલ 24 ડેમ સંપૂર્ણ છલકાયા
ગુજરાતના જળાશયોની સ્થિતિની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 46.79, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 62.83, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 55.67, કચ્છના 20 જળાશયોમાં 56.07 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 62.37 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે સરદાર સરોવર નર્મદા ડેમમાં 49.42 ટકા પાણીનો જથ્થો છે.મધ્ય ગુજરાતના બે ડેમ, દક્ષિણ ગુજરાતના બે ડેમ, કચ્છના પાંચ, સૌરાષ્ટ્રના 15 ડેમ સંપૂર્ણ પણે છલકાઈ ગયાં છે. રાજ્યમાં કુલ 24 ડેમ સંપૂર્ણ છલકાયા છે. 38 ડેમ હાઈ એલર્ટ, 20 ડેમ એલર્ટ અને 20 ડેમને વોર્નિંગ પર રખાયા છે.
સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 17 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 13 જુલાઈ બાદ વરસાદની તીવ્રતા વધી શકે છે. દરિયાકાંઠે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 24 કલાક બાદથી વરસાદી માહોલ જામશે.