ગુજરાતમાં થોડા સમયના વિરામ બાદ ફરીવાર મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. આજે સવારે 6 વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં 113 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં 3.54 ઈંચ નોંધાયો હતો. રાજ્યમાં ચાલુ સિઝનનો કૂલ 52.46 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 61.34 ટકા વરસાદ કચ્છ ઝોનમાં ખાબક્યો છે.


સૌથી વધુ કચ્છમાં 61.34 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ જોઈએ તો, કચ્છમાં 61.34, ઉત્તર ગુજરાતમાં 51.76, મધ્ય પૂર્વ ગુજરાતમાં 49.97, સૌરાષ્ટ્રમાં 50.74 અને દક્ષિણ ગુજરાતમાં 55.59 ટકા વરસાદ નોંધાયો છે. આજે સવારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. જેમાં જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જૂનાગઢ શહેરમાં 1.5 ઈંચ વરસાદ ખાબકતાં પાણી ભરાઈ ગયા હતાં. આ ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોની વાત કરીએ તો. માંગરોળમાં સૌથી વધુ 3.54 ઈંચ, વંથલીમાં એક ઈંચ, મેંદરડામાં એક ઈંચ, કેશોદમાં 1.5 ઈંચ અને માળિયામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

207 જળાશયોમાં હાલમાં 58.10 ટકા પાણીનો જથ્થો

રાજ્યના 207 જળાશયોમાં હાલમાં 58.10 ટકા પાણીનો જથ્થો છે. ઝોન વાઈઝ જોઈએ તો, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 52.48, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 65.31, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 58.80, કચ્છના 20 ડેમમાં 55.36 અને સરદાર સરોવર ડેમમાં 55.40 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં સૌથી ઓછો પાણીનો જથ્થો ઉત્તર ગુજરાતમાં છે. બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હોવા છતાં ઉત્તર ગુજરાતના 15 મુખ્ય ડેમમાંથી એક પણ ડેમ છલોછલ છલકાયો નહીં હોવાનું આંકડા જણાવી રહ્યાં છે.


  • Follow us on: