રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 28 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે.


અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે કહ્યું હતું કે, રાજ્યમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. માછીમારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે.આજે મધ્ય,દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ,નર્મદા, છોટાઉદેપુર, સુરત,નવસારી, વલસાડ, ડાંગ, દમણમાં વરસાદની શક્યતાઓ છે. અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.

દરિયાકાંઠે 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

તેમણે વધુમાં કહ્યું હતું કે, દરિયાકાંઠે 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે. રાજ્યમાં સામાન્ય કરતાં 13% વધુ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૭૯.૦૩ ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૭૫ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે. જ્યારે ૭૦ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૨૦ ડેમ ૨૫ ટકા થી ૫૦ ટકા વચ્ચે અને ૧૬ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં ૧૦૦ ડેમ હાઈ એલર્ટ, ૨૮ ડેમ એલર્ટ તથા ૧૭ ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.


  • Follow us on: