ગુજરાતમાં વરસાદ ધીમો પડ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકવાની શક્યતાઓ છે. રાજ્યમાં હવે ભારેથી અતિભારે વરસાદની કોઈ આગાહી નથી. બીજી બાજુ ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ વિદાય લીધી છે. ગુજરાત અને રાજસ્થાનમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. પરંતુ વિદાય લેતા પહેલા 23 સપ્ટેમ્બર સુધી વરસાદ ધડબડાટી બોલાવશે.
હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત બે સિસ્ટમ સક્રિય થઈ
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા પ્રમાણે ચોમાસુ વિદાય લેતા પહેલા એક વાર ધબધબાટી બોલાવશે. 23 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિના પ્રથમ બે દિવસ સામાન્ય વરસાદ રહેશે. આ ઉપરાંત 17થી 20 સપ્ટેમ્બર સુધી થન્ડરસ્ટોર્મની વોર્નિંગ જાહેર કરાઈ છે. રાજ્યમાં હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત બે સિસ્ટમ સક્રિય થઈ છે. અમદાવાદમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, સાબરકાંઠા અને પાટણમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે.












