ગુજરાતમાં માવઠાની અસર ઓછી થઈ ગઈ છે. 48 કલાક બાદ વરસાદની કોઈ શક્યતાઓ નથી. આજે રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. ઓક્ટોબર મહિનામાં વરસાદે ચાર વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વિદાય લેશે અને ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ થશે.
આગામી 24 કલાક ભારે પવન ફૂંકાવાની પણ આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક બાદ વરસાદની વિદાય થશે તેવી આગાહી કરી છે. આજે રાજ્યમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે. આગામી 24 કલાક ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદમાં આજે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે કેટલાક જિલ્લામાં હળવો વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આ વખતે ઓક્ટોબર મહિનામાં વરસાદે ચાર વર્ષનો રેકોર્ડ તોડ્યો
સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં ચોમાસુ વિદાય લઈ લેતું હોય છે. આ વખતે ઓક્ટોબર મહિનામાં વરસાદે ચાર વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં 21.4 ટકા વરસાદ નોંધાતો હોય છે. તેની સામે આ વખતે 39 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ઓક્ટોબર મહિનામાં 94 MM વરસાદ નોંધાયો છે. વરસાદી સિસ્ટમ ધીરે ધીરે નબળી પડી રહી છે અને એક થી બે દિવસની અંદર વરસાદ વિદાય લઈ શકે છે અને ગુલાબી ઠંડી જોર પકડી શકે છે.
માછીમારોને દરિયો ખેડવાની મંજૂરી આપવામાં આવી
ગુજરાત પરથી ખરાબ હવામાનની અસર ટળી ગઈ છે.જેના કારણે માછીમારોને દરિયો ખેડવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર માછીમારોને દરિયો ખેડવા માટે ટોકન ઈશ્યુ કરશે. સરકાર સાવચેતીના પગલાં લીધા બાદ માછીમારોને દરિયો ખેડવા ટોકન ઈશ્યુ કરશે. 10 જિલ્લાના મત્સ્યોદ્યોગ નિયામકને પણ આ અંગે સૂચના આપી દેવામાં આવી છે. બીજી નવેમ્બર સુધી દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી હતી.