અમદાવાદ જિલ્લાના ખેડૂતો પર કમોસમી વરસાદ (માવઠા)નો કહેર વર્તાયો છે, જેના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને વિસલપુર વિસ્તારના ખેડૂતોના ડાંગરના પાકને સૌથી વધુ ફટકો પડ્યો છે. ખેડૂતોની વર્ષભરની મહેનત પાણીમાં ગઈ છે અને લણણી માટે તૈયાર પાક બગડી ગયો છે. ખેડૂતોની વેદના શબ્દોમાં વ્યક્ત કરતાં એક ખેડૂતે દુઃખ સાથે જણાવ્યું હતું કે, "કમોસમી માવઠાના કારણે અમારે દિવાળીએ હોળી થઈ." તહેવારના માહોલમાં પણ આર્થિક નુકસાનના કારણે ખેડૂતો ગંભીર ચિંતામાં મુકાયા છે, કારણ કે આ પાક પર જ તેમના આખા વર્ષની આર્થિક આવક નિર્ભર હોય છે.


સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ

કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરીને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે, જો તાત્કાલિક વળતર નહીં મળે તો તેમના માટે જીવનનિર્વાહ ચલાવવો મુશ્કેલ બની જશે. સહાયની સાથે સાથે ખેડૂતોએ સરકાર પાસે એવી પણ માંગણી કરી છે કે, તેમના પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માં સારા ભાવ આપવામાં આવે, જેથી પાકને થયેલા આંશિક નુકસાન છતાં તેમને થોડી રાહત મળી શકે.

પાક ધિરાણની માફી આપવા માટે અપીલ

આર્થિક સંકટમાં ફસાયેલા ખેડૂતોએ સરકાર સમક્ષ એક વધુ મહત્ત્વની માગણી કરી છે. ભારે નુકસાનના કારણે તેઓ દેવામાં ડૂબી ગયા છે, તેથી સરકારે તેમના પાક ધિરાણની માફી આપીને તેમને મોટી રાહત આપવી જોઈએ. ખેડૂતોનું માનવું છે કે, જો પાક ધિરાણ માફ કરવામાં આવશે તો તેઓ દેવાના બોજમાંથી મુક્ત થઈ શકશે અને આગામી સીઝન માટે ફરીથી ખેતી કરવા માટે સક્ષમ બની શકશે. વિસલપુરના ખેડૂતોએ સરકારને વિનંતી કરી છે કે તેમની આ માગણીઓને માનવીય દૃષ્ટિકોણથી જોઈને તાત્કાલિક સ્વીકારવામાં આવે.

Ahmedabad ના ખેડૂતોને કમોસમી વરસાદનો મોટો ફટકો, 'અમારે દિવાળીએ હોળી થઈ,' ખેડૂતોની વેદના



  • Follow us on: