મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે છઠ મહાપર્વ પૂજા ઉત્સવમાં સહભાગી થઈ સૌને દીપોત્સવની શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે,વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભવ્ય-દિવ્ય રામ મંદિરના નિર્માણ બાદ દિવાળીનો આનંદ અને રોનક અનેકગણી વધી ગઈ છે. વડાપ્રધાને એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર આપ્યો છે.જે આપણા તહેવારોને પણ સાકાર કરે છે.મુખ્યમંત્રીએ છઠ પૂજાના આયોજકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે,ગુજરાતમાં દીપાવલીના તહેવારો પૂરા થયા બાદ લોકો લાભપાંચમથી કામકાજ શરૂ કરે છે ત્યારે બિહાર, ઝારખંડ અને પૂર્વાચલમાં સૂર્ય ઉપાસનાના છઠ મહાપર્વની શરૂઆત થાય છે.
વડનગરમાં બૌદ્ધ મ્યુઝીયમનો વિકાસ કરવામાં આવી રહ્યો છે
તેમણે કહ્યું કે,બિહારમાં છઠ મહાપર્વની સાથે સાથે લોકતંત્રના મહાપર્વની ઉજવણીનો ઉત્સાહ છે.છઠ પૂજાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરવા વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પ્રયાસરત છે.તેમણે કહ્યું કે,સમગ્ર વિશ્વમાં લોકો ઉગતા સૂરજની પૂજા કરે છે. પરંતુ છઠ પૂજા એકમાત્ર મહાપર્વ છે, જેમાં આથમતા સૂરજની પૂજા કરવામાં આવે છે. ગુજરાત અને બિહારનો સબંધ આદિકાળથી ખાસ રહ્યો છે.બિહાર બુદ્ધની ભૂમિ છે તો ગુજરાતમાં બૌદ્ધની વિરાસતનું જતન થયું છે.વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં વડનગરમાં બૌદ્ધ મ્યુઝીયમનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.













