અમદાવાદમાં અનેક લોકો ભાડાના મકાનમાં રહે છે. શહેરમાં બહારગામથી નોકરી ધંધે આવનારા લોકો સ્થાઈ થયાં છે. ત્યારે શહેરમાં ભાડુઆતને મકાન ભાડે આપ્યા બાદ તેનું પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ભાડુઆતોને મકાન ભાડે આપતા પહેલા પોલીસ વેરિફિકેશન કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પોલીસે જાહેરનામું બહાર પાડ્યું
પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી પોલીસને જણાય છે કે, ગુનેગાર તત્વો શહેરના રહેણાંક વિસ્તારમા ગુપ્ત રીતે આશરો મેળવીને જાહેર સલામતિ અને શાંતિનો ભંગ કરી શકે છે. આગામી દિવસોમાં ગુરૂનાનક જયંતી, દેવ દિવાળી, નાતાલ, સરદાર પટેલ જન્મ જયંતી સહિતના તહેવારો હોવાથી શહેરમાં સુરક્ષાને લઈને પોલીસ એલર્ટ થઈ ગઈ છે. જેથી શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે ભાડેથી મકાન આપતા મકાન માલિકો પર કેટલાક નિયંત્રણો મુકવાનું પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે.













