આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. આ સિવાય દાહોદ,છોટા ઉદેપુર, ભાવનગર, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ,મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, ડાંગ, બનાસકાંઠા,વડોદરા, નર્મદા, વલસાડ, તાપી અને દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર, ઉના દરિયાકાંઠે એલર્ટ

દરિયા કિનારાના વિસ્તારો જેવા કે વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર, ઉના દરિયાકાંઠે એલર્ટ જાહેર કરાયું છે અને લોકોને દરિયાની નજીક ન જવા અપીલ કરાઇ છે. દરિયાકાંઠે 45થી 50 કિમીની ઝડ઼પે પવન ફૂંકાય તેવી આગાહી પણ કરવામાં આવી છે અને માછીમારોને પણ દરિયો ના ખેડવા જણાવાયું છે. મોટાભાગના બંદરો પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવામાં આવ્યું છે.

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ ૮૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ ૮૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદની દ્રષ્ટીએ અત્યાર સુધીમાં સૌથી વધુ ઉત્તર ગુજરાત ઝોનમાં ૮૭.૪૩ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૮૬.૪૧ ટકાથી વધુ, કચ્છ ઝોનમાં ૮૫.૦૮ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૮૩.૫૧ ટકા તેમજ પૂર્વ મધ્ય ઝોનમાં સૌથી ઓછો ૭૯.૦૮ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

૨૭ ડેમ ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર
રાજ્યના ડેમની સ્થિતી અંગે વાત કરીએ તો, રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ ૨,૮૩,૪૩૧ MCFT જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ ૮૪ ટકાથી વધુ ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૪,૩૬,૧૩૫ MCFT જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના ૭૮.૧૮ ટકા છે. રાજ્યમાં હાલ ૬૭ ડેમ ૧૦૦ ટકાથી વધુ અને ૨૭ ડેમ ૯૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા કુલ ૯૪ ડેમને હાઈ એલર્ટ, ૨૭ ડેમ ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ તથા ૧૯ ડેમને વોર્નીગ આપવામાં આવી છે.

સુરક્ષાના ભાગરૂપે કુલ ૫,૧૯૧ નાગરિકોનું સ્થળાંતર અને ૯૬૬ નાગરિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે

ચોમાસાની કોઇપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા NDRFની ૧૨ ટુકડીઓ અને SDRFની ૨૦ ટુકડીઓ વિવિધ જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિ ધરાવતા સ્થળો ખાતેથી સુરક્ષાના ભાગરૂપે કુલ ૫,૧૯૧ નાગરિકોનું સ્થળાંતર અને ૯૬૬ નાગરિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.


  • Follow us on: