ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજયમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી 19 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.18 થી 20 ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે.18 ઓગસ્ટના રોજ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબક્યો
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્રમાં ગીર, તલાલા, અમરેલી, ખાંભા ગીર, જૂનાગઢ, વંથલી, સાવરકૂંડલા, દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને પાટણના સિદ્ધપુર, અરવલ્લીમાં મેઘરજ સહિતના વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ છે. કેટલાક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. મગફળી અને કપાસ સહિતના પાકને વરસાદને કારણે જીવનદાન મળ્યું છે. વરસાદ થવાને કારણે નદીઓમાં નવા નીરની આવક થવા પામી છે. વરસાદે વિરામ લીધા બાદ બફારાનો અનુભવ થયો હતો જ્યારે વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
સિઝનનો 65 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં સિઝનનો 65 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 70.11 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંઘાયો છે. મધ્ય ગુજરાતમાં 67.46, ઉત્તર ગુજરાતમાં 66.89, કચ્છમાં 65.46 અને સૌરાષ્ટ્રમાં 58.32 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 207 ડેમમાં 72.13 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 64.36, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 80.08, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 70.94, કચ્છના 20 ડેમમાં 54.52 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 66.61 ટકા પાણીનો જથ્થો છે.જ્યારે સરદાર સરોવર ડેમમાં 74.94 ટકા પાણી છે.