બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે અનેક માર્ગ બંધ થયા છે. ધાનેરાથી રાજસ્થાનને જોડતો મુખ્ય માર્ગ બંધ થયો છે. ધાનેરાથી રાણીવાડા જતો માર્ગ બંધ થતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થયો છે. ધાનેરાના જડિયા, વાસણ, એટા, રામપુરા, ધરનોધર, પેગીયા સહિતના ગામડાનો માર્ગ બંધ હાલતમાં છે. મુખ્ય માર્ગ ઉપર બોક્સ પુલિયાની કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ ન થતા વાહન ચાલકોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. બોક્સ પુલિયાના બંને બાજુ વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે. લોકોને વાહન લઈ પરત ફરવાની જરૂર પડી રહી છે.


પ્રતાપપુરા ગામે પ્રાથમિક શાળા આગળ ભરાયા પાણી

બનાસકાંઠાના સરહદી વિસ્તારના વાવ તાલુકાના પ્રતાપપુરા ગામના મુખ્ય ચોક અને પ્રાથમિક શાળા આગળ ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાતાં વિધાર્થીઓ અને ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના પ્રતાપપુરા ગામની અંદર થોડા સમય અગાઉ ઢીમા ગામને જોડાતો રોડ ઢીમાથી પ્રતાપપુરા ગામ સુધી ડામર રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી દરમિયાન રોડ વિભાગના તંત્ર દ્વારા કોઈપણ જાતના આયોજન વગર પ્રતાપપુરા ગામની પ્રાથમિક શાળા પાસે રોડ ઊંચાણમાં લઈ લેતા અત્યારે છેલ્લા એક અઠવાડિયાથી ગ્રામજનો અને શાળાએ આવતા નાના ભૂલકોઓ પરેશાન થઈ રહ્યા છે.

પાલનપુર તાલુકાનો વેડંચા ભાવીસણા કોઝવે તૂટ્યો

બીજી તરફ પાલનપુર તાલુકાનો વેડંચા ભાવીસણા કોઝવે તૂટ્યો છે. ભારે વરસાદથી લડબી નદી બે કાંઠે થતા કોઝવે તૂટ્યો છે. વેડંચા અને ભાવિસણા વચ્ચેનો માર્ગ બંધ થયો છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વેડંચાનો કોઝવે 12 મહિનામાં ત્રીજી વાર તૂટ્યો છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને જેને પગલે ધાનેરાના બજારમાં પાણી ભરાયા છે. બજારમાં નદીઓની જેમ પાણી વહેતા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

  • Follow us on: