ભરૂચના જંબુસર બાયપાસ ઓવરબ્રિજ બન્યા બાદ ચોમાસામાં બ્રિજનું પાણી નિચે ઉતરી આસપાસની સોસાયટીમાં ભરાઈ જાય છે. તેનો યોગ્ય નિકાલ નહીં થતા પાણી ભરાઈ રહે છે. જેનાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.સ્થાનિકો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિકોએ જો પાણી અને આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો દહેજ જતા માર્ગના વાહનો રોકી ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
વરસાદી પાણીના નિકાલનો મોટો પ્રશ્ન ઊભો થયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલા આરઝૂ રેસીડેન્શિયલ સોસાયટી, અરમાન બંગલોઝ તથા બાગે ફિરદોસ સોસાયટીઓમાં ગટરના પાણી અને ચોમાસાના વરસાદી પાણીના નિકાલનો મોટો પ્રશ્ન ઊભો થયો છે.અહીં ગટરના નિકાલ માટેની પાઈપલાઈન બ્રિજની નીચે તૂટી ગઈ હોવાથી આખા વિસ્તારમાં પાણી ભરાવા લાગ્યું છે.રહીશોએ તાત્કાલિક કામગીરીની માંગ ઉઠાવી છે.આ બંને સોસાયટીઓ માટે પહેલાંથી GSRDC દ્વારા ગટર લાઈન મંજુર કરવામાં આવી હતી, પરંતુ તંત્રની અળસામણ કે અન્ય કારણોસર તેનું કાર્ય આજદિન સુધી હાથ ધરવામાં આવ્યું નથી.
આખી સોસાયટી પાણીમાં ગરકાવ થઈ જાય છે
હાલની ગટર લાઈન તૂટી જવાથી ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાની સ્થિતિ ગંભીર બની છે.ખાસ કરીને આરઝૂ અને અરમાન સોસાયટીઓમાં વરસાદના પાણી સાથે ગટરના મિશ્રણથી દુર્ગંધ અને રોગચાળાની આશંકા વધી ગઈ છે.આ બાબતે સોસાયટીના રહીશો ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત સાથે વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવા સાથે ટ્રાફિકજામની ચીમકી ઉચ્ચારી હતી.આ વિસ્તારમાં અંદાજે 150થી વધુ મકાન આવેલા છે.રહેવાસીઓ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે વરસાદ પડતા જ આખી સોસાયટી પાણીમાં ગરકાવ થઈ જાય છે.
તાત્કાલિક કામ શરૂ કરવાની માગ ઉઠાવી
લોકોના જણાવ્યા પ્રમાણે ગટરના પાણી ભરાવાથી શાળામાં જતા બાળકો,વૃદ્ધો, બીમાર લોકો તથા રોજિંદા નોકરીએ જનારાઓ ઘરમાં અફળાઈ જાય છે.દૂધ, શાકભાજી જેવી આવશ્યક સેવાઓ પણ આવી શકતી નથી. આ અંગે રહીશોએ અગાઉથી પણ તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી.હવે ફરીથી આ ભયજનક પરિસ્થિતિને લઈ તાત્કાલિક કામ શરૂ કરવાની માગ ઉઠાવી છે.