ભાવનગર શહેરના વાતાવરણમાં બપોરના સુમારે પલટો આવ્યો હતો. સવારથી નીકળેલ વરાપ બાદ બપોરના સુમારે અચાનક વરસાદી માહોલ સર્જાયો છે. શહેરમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ચાલું થયો છે. વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત જિલ્લાના વલભીપુર અને મહુવામાં પણ ઝરમર વરસાદ શરૂ થયો છે.
આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદ લાવશે. આગામી બે દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી નોંધાવો જોઈએ તેના કરતાં 80 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં આજથી જ વરસાદનુ જોર વધશે
હવામાન વિભાગે આજે સાબરકાંઠા,અરવલ્લી અને મહિસાગરમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, પંચમહાલ,છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદ લાવશે.