રાજ્યમાં ફરી એક વખત મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. ત્યારે ભાવનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, કલ્યાણપુર, સુરત, વલસાડ, નવસારી સહિત અનેક શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે અને જેને પગલે સામાન્ય લોકો વરસાદથી પ્રભાવિત થયા છે તથા અનેક સેવાઓ પણ ખોરવાઈ છે. ત્યારે ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં પણ આજે મુશળધાર વરસાદ વરસતા ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું અને નદી નાળા પણ પાણીથી છલકાયા છે.


પચ્છેગામ, ડમરાળા, સાતપડામાં નદી-નાળા છલકાયા

ખેતરોમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયા છે. ગારીયાધારના પચ્છેગામ, ડમરાળા, સાતપડા, સમઢીયાળા, મોરબા, વીરડી સહિત અનેક ગામોમાં નદી નાળા છલકાયા છે. ખાસ કરીને પરવડી ગામમાં 5થી 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતા ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું. પરવડી ગામમાં આવેલા સિનેરીયો તળાવ અને 4 નાળા તળાવ કે જે બંને મળીને 100 વીઘાના આ બંને જે તળાવ છે તે ઓવર ફ્લો થયા છે. ખાસ કરીને ગારીયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજીત 3થી લઈને 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું છે.

મહુવામાં માલણ નદી બની ગાંડીતૂર, ડેમના 46 દરવાજા ખોલવામાં આવ્યા

બીજી તરફ ભાવનગરના મહુવા તાલુકાની સૌથી મોટી માલણ નદી ગાંડીતુર બની છે. માલણ નદીના પાણી મહુવા શહેર તરફ વળ્યા છે, નદીના પાણી ભાદ્રોડના ઝાંપા, ખાર ઝાંપા, કમ્પોસ ભઠ્ઠી વિસ્તારમાં ઘરો પાણી ઘુસ્યા છે. માલણ ડેમના 46 દરવાજા ખોલવામાં આવ્યા છે. માલણ નદીમાં 62,671 ક્યુસેક પાણીની જાવક થઈ છે અને તેના કારણે 9 જેટલા ગામને હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. માલણ નદીના પાણી લોકોના ઘરોમાં ઘુસ્યા છે અને તેના કારણે મકાનોમાં ઘરવખરીનો સામાન પલળ્યો છે અને મોટું નુકસાન સહન કરવાનો વારો લોકોને આવ્યો છે.


  • Follow us on: