ચોમાસા પહેલા ભૂજ પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી છે. ભુજ નગરપાલિકા દ્વારા 32 લાખ રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ચોમાસાના પહેલા વરસાદમાં પાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન ધોવાઈ ગયો છે. શહેરમાં થોડા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે.


પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ

ભુજ નગરપાલિકા દ્વારા શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી. પાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે શહેરમાં કોઈપણ વિસ્તારમાં પાણી નહીં ભરાય પણ સિઝનના પહેલા વરસાદમાં પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. માત્ર થોડા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા પાલિકની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. આ મામલે પાલિકાના કારોબારી ચેરમેનનું કહેવું છે કે હાલમાં 90 ટકા નાળાની સફાઈની કામગીરી પુરી થઈ ગઈ છે. તમામ કામગીરી યોગ્ય રીતે પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટરને રૂપિયાનું ચુકવણું કરવામાં આવશે.

દેશમાં સમય કરતા પહેલા પહોંચ્યું ચોમાસુંઃ IMD

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે જાણકારી આપતા કહ્યું હતું કે દેશમાં સમય કરતા પહેલા ચોમાસું પહોંચ્યું છે. 9 દિવસ પહેલા સમગ્ર દેશમાં ચોમાસું બેસી ગયું છે. સામાન્ય રીતે 8 જુલાઈ સુધી ચોમાસું પહોંચે છે પણ 2020 બાદ પ્રથમવાર ચોમાસું જલદી પહોંચ્યું છે. આ વર્ષે ચોમાસું 24 મેએ કેરળ પહોંચ્યું છે. 2009 બાદ પ્રથમવાર કેરળમાં ચોમાસું જલદી પહોંચ્યું છે. IMDએ દેશમાં 106 ટકા વરસાદની આગાહી કરી છે.

  • Follow us on: