ભુજ ખાતે હાલે કચ્છી લેવા પટેલ સમાજનાં સરદાર પટેલ વિદ્યા સંકુલમાં 54મી સિનિયર વિમેન્સ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં દેશભરનાં 540 જેટલા મહિલા ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ ચેમ્પિયનશિપનો તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ ચેમ્પિયનશિપની ફાઈનલ આગામી તા.3 જુલાઈનાં યોજવામાં આવશે. નોંધનીય બાબત એ છે કે, સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર અને તે પણ કચ્છમાં સિનિયર વિમેન્સ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ યોજવામાં આવી રહી છે, ત્યારે સ્વાભાવિકપણે કચ્છ તેમજ ગુજરાત માટે પણ આ ગૌરવની બાબત છે.
સમગ્ર દેશમાંથી 26 જેટલા રાજ્યોની 540 જેટલી મહિલા ખેલાડીઓ લઈ રહી છે ભાગ
આ તકે ગવર્મેન્ટ ઓફ ગુજરાત એકેડમીનાં હેન્ડબોલનાં એક્સ્પર્ટ કોચ સી.પી.સિંગે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં પહેલીવાર અને તે પણ કચ્છમાં સિનિયર વિમેન્સ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ અંતર્ગત ચાલતી મેચોમાં તમામ રાજ્યોની ટીમો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. તમામ ખેલાડીઓમાં ચેમ્પિયનશિપને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સિનિયર વિમેન્સ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં સમગ્ર દેશમાંથી 26 જેટલા રાજ્યોની 540 જેટલી મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહી છે.

ભુજ ખાતે સરદાર પટેલ વિદ્યા સંકુલમાં ચાલી રહેલી 54મી સિનિયર વિમેન્સ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ ભાગ લઈ રહેલા વિવિધ રાજ્યોના મહિલા ખેલાડીઓનાં લેવાયેલા ફિડબેક મુજબ ખેલાડીઓ અહીં મળતી સુવિધાઓથી ખુશ છે. તેઓ માટે રહેવાની, જમવાની, રમવાની સુવિધાઓ સંસ્થા તરફથી આપવામાં આવી રહી છે. આ ટૂર્નામેન્ટ નોકઆઉટ બેઈઝ ઉપર યોજવામાં આવી હોઈ જે ટીમ જીતશે તે આગળ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. કારણ કે, આ ટૂર્નામેન્ટમાંથી બેસ્ટ ટીમો, બેસ્ટ ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. જેઓ આગામી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.
કેરાલાથી હિમાચલ પ્રદેશ તથા બંગાળથી ગુજરાત સુધીનાં ખેલાડીઓ
ભુજનાં સરદાર પટેલ વિદ્યા સંકુલમાં 54મી સિનિયર વિમેન્સ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ અત્યારે મધ્યાહ્ને પહોંચી છે. 28 જૂનથી શરૂ થયેલી આ ચેમ્પિયનશિપ આગામી તારીખ 3 જુલાઈનાં મેગા ફાઈનલ યોજાશે. આ ચેમ્પિયનશિપમાં દેશભરમાંથી 540 જેટલા કેરાલાથી લઈને હિમાચલ પ્રદેશ સુધીનાં તથા બંગાળથી લઈને ગુજરાત સુધીના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા હોઈ હાલે ભુજનાં ગ્રાઉન્ડ ખાતે મિની ભારતનાં દર્શન થઈ રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ખેલાડીઓ ઉત્સુક
ભુજ ખાતે ચાલી રહેલી 54મી સિનિયર વિમેન્સ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં વિવિધ મેચોનાં સ્ટાન્ડર્ડ ઉપર નજર કરવામાં આવે તો અહીંયા જે ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, તે તમામ ખેલાડીઓ હેન્ડબોલ માટે સક્ષમ છે. કુશળ ખેલાડીઓ છે. કારણ કે, આ ખેલાડીઓ પહેલાં પણ રાષ્ટ્રીય કક્ષાએ રમી ચૂક્યા છે. પરિણામે આગામી આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ખેલાડીઓ ભારે ઉત્સુક હોય તે સ્વાભાવિક બાબત છે.

ગુજરાતની મહિલાઓને સ્પોટ્ર્સમાં આગળ આવવા માટે પ્રેરણા મળશે
કચ્છમાં ખૂબ જ ટૂંકા સમયમાં પણ ખેલાડીઓ માટે સંસ્થા દ્વારા સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, તો વોલન્ટિયરો પણ ખેલાડીઓની સારી સેવા કરી રહ્યા છે. આનાથી માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશમાં હેન્ડબોલની રમતને પ્રોત્સાહન મળશે. કારણ કે, ગુજરાતમાં પહેલીવાર સિનિયર વિમેન્સ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ યોજવામાં આવી છે. જેને કારણે ગુજરાતની મહિલાઓને સ્પોર્ટ્સમાં આગળ આવવા માટે પ્રેરણા મળી રહેશે. ગુજરાત ગવર્મેન્ટ અને વડાપ્રધાન પણ રમત-ગમતને આગળ વધારવા માટે આગામી દિવસોમાં યોજાનારી ઓલિમ્પિક્સમાં પણ આ ટૂર્નામેન્ટનું મોટું યોગદાન રહેશે.
નેશનલ ટૂર્નામેન્ટમાં મુખ્યત્વે ખેલાડીઓને ફૂડને લઈને રહેતી ફરિયાદો
આ હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહેલી ગુજરાતની ટીમનાં કેપ્ટન મહિમા મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પહેલીવાર હેન્ડબોલની ટૂર્નામેન્ટ યોજવામાં આવી છે. પોતે પણ 28 વાર નેશનલ કક્ષાએ રમી ચૂકી છે. અહીં ભોજન, મેડિકલ, બસ સહિતની વ્યવસ્થા છે. અત્યાર સુધીમાં જેટલી પણ નેશનલ ટૂર્નામેન્ટ રમી તેમાં મુખ્યત્વે ફૂડને લઈને ફરિયાદો રહે છે, જેમાં ટેસ્ટ નથી હોતો, વધુ પાણીવાળું હોય છે. પરંતુ અહીં આવી કોઈ ફરિયાદો નથી, ખેલાડીઓ ખુશ છે.
આ ટૂર્નામેન્ટમાં મિની ભારત કહેવાય તેમ અલગ અલગ ટીમોએ પોત પોતાનાં રાજ્યોનું પ્રતિનિધત્વ કર્યું છે. તમામ ટીમો કોમ્પિટિશન વાળી છે. વળી, આ ઓપન ટૂર્નામેન્ટ હોઈ કચ્છની મહિલાઓ, યુવતીઓ અહીં મેચને જોવાનો મોકો છે, તો આવીને જુઓ, ગુજરાતની ટીમ પણ છે તેને ચીયરઅપ કરો અને તેનો જુસ્સો વધારો.
સ્પોર્ટ્સમાં ભાગ લેવાથી આપણું શરીર રહેશે સ્ફૂર્તિવાળું
હેન્ડબોલની રમત એ સ્પીડવાળી રમત છે. જોકે, કચ્છમાં મોટાભાગનાં વિદ્યાર્થીઓને હેન્ડ બોલ રમત શું છે તેની જ ખબર હોતી નથી. ત્યારે કચ્છનાં તમામ વિદ્યાર્થીઓએ કોઇપણ એક રમતને પોતાના જીવનમાં ઉતારવી જોઈએ. જેનાથી પોતાનાં હેલ્થનાં પ્રોબલેમ ઘટશે, ફીટનેસ જળવાઈ રહેશે. મેન્ટલી પણ હેલ્થ સારી રહેશે. સ્પોર્ટ્સમાં ભાગ લેવાથી આપણું શરીર સ્ફૂર્તિલું રહેશે તેવી મહિલા ખેલીડીઓએ અને વિદ્યાર્થિનીઓને શીખ આપી હતી.













