ભુજના હમીરસર તળાવ પાસે બનાવવામાં આવેલા વોક-વેનું કરોડો રૂપિયાના ખર્ચ નવીનીકરણ બાદ આજે વિશ્વ યોગ દિવસના દિવસે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સતાપક્ષ ભાજપ વોક-વે લઈને વાહ વાહી કરી રહી છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસે વોક-વેના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
વિવાદ વચ્ચે પાલિકાએ વોકવેનું આજે લોકાર્પણ કર્યું
ઉલ્લેખનીય છે કે ભુજ શહેરમાં આવેલા વોક-વેનું કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. ભુજ પાલિકા દ્વારા 2.50 કરોડના ખર્ચે વોક-વેનું રીનોવેશન કરવામાં આવ્યું છે. આજે પાલિકા દ્વારા વોક-વેનું લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેમાં લાઈટો, પેવર બ્લોક, સીસીટીવી કેમેરા સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. વોકવેનો બ્યુફીફિકેશનનો પ્રોજેકટ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં હતો અને વિવાદ વચ્ચે પાલિકાએ વોકવેનું આજે લોકાર્પણ કર્યું છે.
ભાજપે વોક-વે નવીનીકરણ કરવામાં આચર્યો ભ્રષ્ટાચાર: કોંગ્રેસ
કરોડોના ખર્ચે તૈયાર થયેલા વોકવેને લઈને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ આક્ષેપ કરતા કહ્યું છે કે કામમાં ઘણી અધૂરાશો છે. સાથે જ જે કામ થયું છે તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂક્યો છે. દીવાલો, ગ્રીલ અને ડોમ જૂના છે તેમાં કોઈ કામ કર્યું નથી. માત્ર પેવર બ્લોક અને સીસીટીવી કેમેરામાં 2.5 કરોડનો ખર્ચ કરીને ભાજપે ભષ્ટ્રાચાર કર્યો છે. સતાપક્ષ ભાજપે કોંગ્રેસના તમામ આરોપને ફગાવ્યા છે અને કહ્યું કે આગામી દિવસોમાં જે પણ અધૂરા કામ હશે તે પુરા કરવામાં આવશે. ભુજના લોકોની સુખાકારી માટે વોક-વેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.