ભુજ નગરપાલિકા દ્વારા શહેરનાં હમીરસર તળાવનાં કિનારા ઉપર વોક-વેનાં રિનોવેશનની આજથી બે વર્ષ પૂર્વે કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે પૂર્ણતાનાં આરે છે. બે ફેઝમાં રૂ. દોઢ કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલા વોક-વેમાં લોકોનાં સુઝાવોને ધ્યાને લઇને અનેક ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં બેઠક વ્યવસ્થા, પાણીની પરબ, લાઇટની સુવિધા સહિતનો સમાવેશ થાય છે. હાલ બાંકડા નાખવાની સાથે ગ્રીલ રંગવાની કામગીરી કરવામાં આવી રહી છે. આગામી તા. ૨૧ જૂનનાં આ રિનોવેશન સાથે વોક-વે લોકોને અર્પણ કરવામાં આવશે.


બે વર્ષ પહેલાં વોક-વેના રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી

આ બાબતે વધુ માહિતી આપતાં પાલિકાનાં કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ જણાવ્યંુ હતું કે, શહેરનાં હમીરસર કિનારા ઉપર આવેલા વોક-વેમાં અમુક જગ્યાએ જમીનો દબાઇ જતાં ખાડાઓ પડી ગયા હતા, લાઇટોનો પણ અભાવ હતો, ઉબડખાબડ વોકિંગ પાથને કારણે વોકિંગ માટે આવતાં વડીલો સહિતને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. વળી, લાઇટોનો પણ અભાવ હોવાને કારણે વહેલી સવારે કે સમી સાંજે ચાલવા માટે આવતાં લોકોને હાલાકી પડતી હતી. એટલું જ નહીં ઉનાળામાં લોકોને પાણીની તરસ લાગે તો તેના માટે પાણીની પરબની પણ વ્યવસ્થા ન હતી. આ તમામ બાબતોને ધ્યાને લઇને આજથી બે વર્ષ પહેલાં વોક-વેના રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ કામગીરી પૂર્વે અહીં વોકીંગ માટે આવતાં લોકોનાં મંતવ્યો પણ લેવામાં આવ્યા હતા અને તેમના દ્વારા અપાયેલા સુઝાવોને ધ્યાને લઇને વોક વેનાં લે આઉટમાં પણ ફેરફારો કરવામાં આવ્યા હતા. જેને કારણે વોક વે ખરા અર્થમાં લોકોને ઉપયોગી સાબિત થાય. ખાસ કરીને વોકિંગ પાથ ઉપરનાં બ્લોક ઉબડખાબડ ન થાય તે માટે જમીનથી લઇને ત્રણ લેરમાં કામગીરી કરવામાં આવી છે. જે પૂર્ણ થઇ ગયા બાદ ફરતે લાઇટો માટે પોલ ઊભા કરવા, જેટલી પણ તૂટેલી ગ્રીલો હતી તેને બદલવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. પાણીની પરબ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે. હાલે ૯૫ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ હોઈ આગામી તા. ૨૧ જૂનનાં રોજ વિધિવત્ રીતે લોકાર્પણ કરવામાં આવશે.

એક વર્ષ માટે મરામતની જવાબદારી કોન્ટ્રાક્ટરનાં શિરે

વોક-વેનાં રિનોવેશનની કામગીરી બાદ વોકિંગ પાથનાં બ્લોક ઉબડખાબડ ન બને, લાઇટો માટેનાં પોલ સહિતની કામગીરીમાં કોઇપણ પ્રકારની નુકસાની થાય, બ્લોક ઉખડી જાય કે બેસી જાય તો તેના માટેની જવાબદારી કોન્ટ્રાક્ટરનાં શિરે રહેશે. એક વર્ષ સુધીમાં વોક-વેમાં કોઇપણ નુકસાની થાય તો તેની મરામત કોન્ટ્રાક્ટર દ્વારા કરી આપવામાં આવશે.

અંધારાને નાથવા વોક-વેની ફરતે ૭૦ વીજપોલ ઊભા કરાયા

શિયાળો, ઉનાળો કે ચોમાસંુ હોય ભુજનાં શહેરીજનો સવારે અથવા સાંજના સમયે વોકિંગ માટે હંમેશાં વોક-વેનો ઉપયોગ કરે છે, જેને કારણે દૈનિક ૩ હજાર જેટલા લોકો વોક-વેની મુલાકાત લે છે. ખાસ કરીને વહેલી સવારે અને સાંજ બાદ વોકિંગ કરતાં લોકોને અંધારાનો સામનો કરવો ન પડે તે માટે ૭૦ જેટલા લાઇટ માટેનાં પોલ ઊભા કરવામાં આવ્યા છે. એક પોલ ઉપર બે લાઇટો નાખવામાં આવી છે. જેને કારણે વહેલી સવારે સમી સાંજે વોક-વેમાં સતત અજવાળું પથરાયેલંુ રહેશે.

વોક-વેમાં ૩૦ જેટલા બેસવાનાં કલાત્મક બાંકડાઓ મુકાયા

વોક-વેમાં વોકિંગ માટે આવતાં વડીલોને વોકિંગ બાદ બે ઘડી શાંતિથી બેસી શકે તે માટે એક ફેઝમાં બેસવા માટે બાંકડા મૂકવામાં આવશે. કુલ ૩૦ જેટલા બાંકડાની સુવિધા ઊભી કરવામાં આવશે. હાલે ૧૫ જેટલા બાંકડાઓ મૂકવામાં આવ્યા છે. બાદમાં બીજા ૧૫ બાંકડાઓ મૂકાશે. મોટાભાગે લોકો હમીરસર કિનારાની સામેની બાજુમાં જ બેસતા હોવાને કારણે એ જ સાઇડમાં તમામ બાંકડાઓ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેન કારણે વડીલો કુદરતી વાતાવરણને મનભરીને માણી શકશે.

વોક-વેમાં કોઇ નુકસાની ન કરે તે માટે ૧૪ સીસીટીવી કેમેરા લગાડાયા

પાલિકા દ્વારા વોક-વેમાં નવા બકડા, નવી લાઇટો સહિતની સુવિધાસભર વસ્તુઓ મુકવામાં આવી છે. ત્યારે સુવિધાઓને કોઇ નુકસાની ન કરે તે માટે પાલિકા દ્વારા વોક-વેની ફરતે ૧૪ જેટલા સીસીટીવી કેમેરાની બાજ નજર મૂકવામાં આવી છે. જેને કારણે કોઇ પણ તત્ત્વો કોઇપણ વસ્તુને નુકસાની કરશે તો તેને કેમેરાના ફૂટેજનાં આધારે ઓળખ કરીને તેની સામે ફરિયાદ દાખલ કરવા સહિતની કામગીરી કરવામાં આવશે. વળી, આ કેમેરા નાઇટ વિઝનનાં હોઈ રાત્રિનાં સમયે પણ વોક-વે ઉપર નજર રહેશે.

પાલિકા પાણીની પરબ સ્વૈચ્છિક સંસ્થાઓને ચલાવવા માટે સોંપશે

પાલિકા દ્વારા અહીં પાણીની પરબ પણ તૈયાર કરવામાં આવી છે. આ પરબ સ્વૈચ્છિક સંસ્થાને ચલાવવા આપવામાં આવશે. આ પરબનો ખર્ચ જે તે સંસ્થા પાસેથી લેવામાં આવશે. આ પરબ સવારનાં ૭થી બપોરનાં ૧ અને સાંજે ૪થી ૭ વાગ્યા સુધી ખુલ્લી રખાશે. હાલે ત્રણ સંસ્થાઓ દ્વારા પાણીની પરબ ચલાવવા માટે રસ દાખવવામાં આવ્યો છે, જેમાંથી બે સંસ્થાઓને સવાર-સાંજ પરબ ચલાવવા માટે આપવામાં આવશે. જેને કારણે વોક-વેમાં ચાલવા માટે આવતાં લોકોને અહીં પીવાનું શુદ્ધ પાણી પણ મળી રહેશે.

વાહન પ્રવેશે નહીં તે માટે વોક-વેનાં તમામ દરવાજાઓ બંધ રહેશે

કોઇપણ લોકો બાઇક સહિતનાં વાહનોને લઇને વોક-વેમાં પ્રવેશ ન કરી શકે તે માટે તમામ સાઇડનાં દરવાજાઓને બંધ કરી દેવામાં આવશે. માત્ર વોકિંગ માટે અદર પ્રવેશી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને કારણે વોક-વેનાં પાથને નુકસાની ન થાય. આ સિવાય અહીં વોક-વેની દેખભાળ માટે માણસો પણ મૂકવામાં આવશે. તેઓ પણ આ બાબતની ખાસ તકેદારી રાખશે. લોકોને મળનારી સુવિધાને કોઇ નુકસાની ન થાય તેનું પણ તેઓ ધ્યાન રાખશે.

યોગ સહિતનાં ક્લાસિસ માટે સંસ્થાઓને ટોકન ભાડે ડોમ અપાશે

વોક-વેમાં ઊભા કરાયેલા બે ડોમમાં યોગ સહિતનાં ટયૂશન ક્લાસ, લાફિંગ ક્લબ સહિતને ટોકન ભાડે આપવા માટે પણ પાલિકા તૈયાર છે. કોઇપણ સંસ્થાએ ટોકન ભાડે ડોમ લેવા હોય તેઓએ પાલિકાની કચેરીનો સંપર્ક કરવા જણાવાયંુ છે. ખાસ કરીને આવારા તત્ત્વો અહીં બેસીને કોઇ પ્રવૃત્તિ કે નુક્સાની ન કરે તે માટે આ ડોમ ટોકન ભાડે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  • Follow us on: