ભુજ શહેરમાં છેલ્લા બે દિવસથી લોકો ભારે ઉકળાટની અનુભૂતિ કરી રહ્યા હતા, તેવામાં સોમવારની રાત્રિનાં દસ વાગ્યાનાં સુમારે ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઇ હતી, જેને કારણે મુખ્ય રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. સતત ઝરમર વરસાદ ચાલુ રહેવા પામ્યો હતો અને મોડીરાત્રિનાં ફરી ગાજવીજ સાથે વરસાદ વરસતાં વાતાવરણમાં ભીનાશ છવાઇ જવા પામી હતી. વહેલી સવારે સાડા પાંચે વરસાદે વિરામ લીધા બાદ મંગળવારે બપોર બાદ ફરી એકવાર આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઇ જતાં અંધારું થઇ ગયું હતું.


ભુજમાં ગાજવીજ સાથે વરસાદે એન્ટ્રી કરી

જોતજોતામાં પવનનાં સુસવાટા સાથે વરસાદે પોતાની ધમાકેદાર એન્ટ્રી કરતાં શહેરનાં મુખ્ય મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તેમાંય બસ પોર્ટ પાસેનો રસ્તો જાણે તળાવમાં ફેરવાઇ ગયો હોય તેવો નજારો જોવા મળ્યો હતો. આમ તો જૂન મહિનાનાં પ્રારંભથી જ તાપમાનમાં વધારો થતાં લોકો અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે જીવી રહ્યા હતા. ગરમીનો પારો હાઇ જવાને કારણે બપોરનાં સમયે લોકોની હાલત કફોડી બની હતી. સોમવારે પણ સવારથી જ ઉકળાટ અનુભવાતો હતો, પરંતુ રાત્રિનાં ૧૦ કલાકે અચનાક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને થોડી વારમાં જ ગાજવીજ સાથે વરસાદે એન્ટ્રી કરી હતી. સતત પોણા કલાક ધોધમાર વરસાદ બાદ ઝરમર ઝરમર વસાદ મોડી રાત સુધી વરસતો રહ્યો હતો. રાત્રિના ફરી ગાજવીજ સાથે વરસાદ મન મૂકીને વરસ્યો હતો, જે સવાર સુધી ચાલુ રહ્યો હતો. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

વાહનચાલકો સહિત અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો

ત્યારે મંગળવારે પણ બપોર બાદ ફરી વાતાવરણમાં પલટો આવી ગયો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઇ ગયંુ હતું, થોડીવાર માટે અંધારું થઇ ગયું હોય તેવી અનુભૂતિ થઇ હતી. ભારે પવનની સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેને કારણે થોડીવારમાં જ વાતાવરણમાં ભીનાશ છવાઇ ગઇ હતી. સાથોસાથ શહેરનાં મુખ્ય રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા જેને કારણે રાહદારીઓ, વાહનચાલકો સહિત અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. તેમાંય સૌથી વધુ વરસાદી પાણીનો ભરાવો બસ પોર્ટ રોડ ઉપર જોવા મળ્યો હતો. વિવિધ રસ્તાઓ ઉપર પાણી ભરાવાની સમસ્યાએ પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની તો પોલ ખૂલી પડી હતી. સાથોસાથ વીજ પ્રવાહ પણ ગુલ થઇ જવાને કારણે પીજીવીસીએલની પ્રિમોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

વરસાદી ઝાપટા સમયે સ્ટોર્મ વોટર ડ્રેનેજની અસરકારકતા નહીંવત્

ભુજ શહેરનાં મુખ્યત્વે બસ પોર્ટ રોડની સાથે સાથે લોહાણા મહાજનવાડી પાસેનો રોડ, હોસ્પિટલ રોડ, વાણિયાવાડ વિસ્તાર, જી.કે. જનરલ સામે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે તેમજ જ્યુબિલી સર્કલ પાસે પણ વરસાદી પાણીનો ભરાવો થતાં રાહદારીઓ, વાહન ચાલકો તેમજ દુકાનદારો, કેબિનધારકો, ફેરિયાઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. મહત્ત્વની બાબત એે છે કે, જ્યારે જ્યારે પણ વરસાદી માહોલ સર્જાય છે ત્યારે ત્યારે આ મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ જાય છે. રસ્તાનાં પાણીનાં નિકાલ માટે પાલિકા દ્વારા સ્ટોર્મ વોટર ડ્રેનેજ બનાવવામાં આવી છે, પરંતુ તેની અસરકારકતા જોવા મળતી નથી.

  • Follow us on: