બોટાદ જિલ્લામાં અવિરત વરસેલા વરસાદને લઈ બોટાદ જિલ્લાના નાગલપર ગામના ખેડૂતોના પાકને નુકસાન મોટા પ્રમાણમાં જમીનનું ધોવાણ, ડ્રીપ ઈરીગેશન, કપાસ, મરચી, તુવેર, મગફળી સહિતના પાકમાં નુકસાન થયું છે, ત્યારે આ પાક નુકસાનીને લઈને સરકાર દ્વારા ખેડૂતોને વળતર આપવા આવે તેવી ખેડૂતો દ્વારા માગ કરાઈ છે.


વળતર આપવા કૃષિ મંત્રીને રજૂઆત કરાઈ

હવામાન વિભાગની આગાહીને પગલે 16 જૂને બોટાદ શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાંજના સમયે અચાનક અનરાધાર વરસાદ શરૂ થયો હતો અને 17 જુનના સાંજના 4 વાગ્યા સુધીમાં એટલે કે 24 કલાકમાં બોટાદ શહેરમાં 19 ઈંચ અને તાલુકામાં 8 ઇંચથી લઈને 15 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. આમ બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર મેઘ વરસતા નદી નાળા તળાવો ચેક ડેમ છલકાયા હતા. ખેતરોમાં પણ પાણી ભરાયા હતા. પાકને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું. જેને લઈ બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર દ્વારા બોટાદ જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ખુબ મોટાપાયે નુકસાન થયેલું છે. ખેડૂતોના વાવણીનું નુકસાન, ડ્રીપ ઈરીગેશન, તાર ફેન્સીંગ તેમજ ખુબ મોટા પ્રમાણમાં ખેતરોમાં ધોવાણ થયેલું છે, જેથી બોટાદ જિલ્લામાં યોગ્ય સર્વે કરાવી ખેડૂતોને પુરતું વળતર આપવા કૃષિ મંત્રીને રજૂઆત કરાઈ છે.

અતિભારે વરસાદને કારણે જમીન સાવ ધોવાઈ ગઈ

બોટાદ જિલ્લાના નાગલપર ગામે ભારે વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાતા કપાસ, મગફળી, મરચી, તુવેર સહિતના પાકોમાં 80 ટકા નુકસાન થયાનું નાગલપર ગામના ખેડૂતો દ્વારા જણાવાયું હતું. અતિભારે વરસાદને કારણે જમીન સાવ ધોવાઈ ગઈ છે, વાડીમાં જવાય તેવું નથી. ખેતરોના પાળા ધોવાતા જમીનમાં ઢીંચણ સમા ખાડા પડી ગયા છે. જમીનમાંથી કાંપ સાવ નીકળી જતા 10 વર્ષ ખેતીમાં પાછા રહી ગયાની ખેડૂતો દ્વારા હૈયા વરાળ કાઢવામાં આવી હતી. ઉગેલા કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયાનું તેમજ ડ્રીપને પણ નુકસાન થયાનું ખેડૂતોએ જણાવ્યું હતું. સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વળતર આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માગ કરાઈ હતી.

  • Follow us on: