બોટાદ જિલ્લામાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના બરવાળા અને ગઢડા તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો છે. બરવાળા શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. બરવાળા શહેરના મેઈન બજાર, કુંડળ દરવાજા, ખારા વિસ્તાર, કેશવ નગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.


ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ

બરવાળા તાલુકાના કુંડળ, વહિયા, રામપરા, બેલા, રોજીદ, કાપડિયાળી, ખમીદાણા, નાવડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. આ સિવાય ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગઢડા તાલુકાના લાખણકા, ખોપાળા, ઉગામેડી, ઈશ્વરીયા, અડતાળા, ઝીઝાવદર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ પડતા રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

રાણપુર તાલુકામાં ગોમા નદી પરનો કોઝ-વે બેસી ગયો

બોટાદમાં કોઝ વે બેસી જવાની ઘટના સામે આવી છે. બોટાદના રાણપુર તાલુકાના ગઢિયા ગામ પાસે ગોમા નદી પર આવેલો કોઝવે બેસી ગયો છે. ગઢિયા ગામથી અલમપુર ગામ જવાના મુખ્ય માર્ગ પર આ કોઝવે આવેલો છે. ગઢિયા, અલમપુર, દેરડી ગામના લોકોને રાણપુર, પાળીયાદ, બોટાદ, ધંધુકા સહિત દસેક ગામોમાં જવા માટેનો મુખ્ય કોઝવે હતો. ગઢીયા ગામ નજીક કોઝવે બેસી જતાં લોકોને હાલમાં મોટી મુશ્કેલી પડી રહી છે. કોઝવે બેસી જતાં એસટી બસ સહિત મોટા વાહનો તેમજ ભારે વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે. ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો પણ જીવના જોખમે વાહનો ચલાવવા મજબુર બન્યા છે. કોઝવે તુટવાના કારણે રસ્તો બંધ થઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે તાત્કાલિક મોટો પુલ બનાવવા માટેની માગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે.


  • Follow us on: