છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદને કારણે નગરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને નિઝામી સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ વિસ્તારમાં નદી જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. જ્યાં વરસાદી પાણીનો પ્રવાહ તેજ ગતિથી વહી રહ્યો હતો.
નિઝામી સોસાયટીમાં ઘૂંટણસમા પાણી
સ્થાનિકોના જણાવ્યા અનુસાર નિઝામી સોસાયટીમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં મોટું નુકસાન થયું હતું અને જનજીવન ખોરવાઈ ગયું હતું. લોકોએ પાણીમાં ફસાયેલા વાહનોને બહાર કાઢવા અને ઘરમાંથી પાણી કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જોકે થોડા સમય બાદ વરસાદે વિરામ લેતા પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યું હતું.













