સમગ્ર દેશમાં ગુજરાત મોડેલની વાતો કરવામાં આવે છે. વિકાસની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં અગ્રેસર હોવાની ચર્ચાઓ થાય છે. ત્યારે રાજ્ય સરકારના વિકાસના દાવાની ગુલબાંગો પોકળ સાબિત થઈ હોય તેમ છોટા ઉદેપુરના ક્વાંટમાં ગ્રામજનોએ જાતે રસ્તો બનાવી હાલાકી દૂર કરી છે. સરકારના રોડ અને રસ્તા બનાવવાના દાવાઓની ગ્રામજનોએ પોલ ખોલી નાંખી હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે.


આજદિન સુધીની સરકારોએ અહીં રસ્તો નથી બનાવ્યો

છોટા ઉદેપુરના ક્વાંટમાં ગ્રામજનોએ જાતે રસ્તો બનાવ્યો છે. તુરખેડાના તેતરકૂંડી ફળિયાના લોકોએ પાવડા અને કોદાળીની મદદથી સ્વ ખર્ચે જાતે રસ્તો બનાવી પોતાની મુશ્કેલી દૂર કરી હતી. દેશની આઝાદી બાદથી લઈને આજદિન સુધીની સરકારોએ અહીં રસ્તો નથી બનાવ્યો. રસ્તો નહીં બનતા ગ્રામજનોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેથી તેઓ જાતે જ રસ્તો બનાવવા મજબૂર બન્યાં છે. દર વર્ષે આ રીતે તેઓ સ્વ ખર્ચે રસ્તો બનાવી રહ્યાં છે. લોકોને દેશની આઝાદી બાદ આજ સુધી પ્રાથમિક સુવિધાઓ મામલે ઝઝૂમવું પડ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

રસ્તા માટે લોકો હવાતિયા મારી રહ્યાં છે

રાજ્યમાં એક ધારાસભ્ય જ્યારે ખાડા પૂરવાની રજૂઆત કરે અને અધિકારી તેમને લેખિતમાં આપો તો કામ થશે તેવો ઉદ્ધતાઈભર્યો જવાબ આપે છે. ત્યારે છેવાડાના લોકોને રોડ અને રસ્તા માટે કેટલી જહેમત ઉઠાવવી પડતી હશે તે આ ઘટના પરથી જાણી શકાય છે. રસ્તો બનાવનાર લોકોનું કહેવું છે કે, અમે અહીં દર વર્ષે આ રીતે સ્વ ખર્ચે રસ્તો બનાવીએ છીએ. આઝાદી બાદથી આજ સુધી રસ્તા માટે લોકો હવાતિયા મારી રહ્યાં છે.  

  • Follow us on: