યાત્રાધામ દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે. ઝરમર વરસાદ બાદ દ્વારકા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. જ્યારે યાત્રાધામની મુલાકાતે આવેલા પ્રવાસીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકા શહેરનું વાતાવરણ સતત વાદળછાયું રહ્યું છે.
સતત કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત
ઝરમર અને ધોધમાર વરસાદના ઝાપટાં પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પરંતુ આ કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતરૂપ સાબિત થઈ રહ્યો છે. ખાસ કરીને દ્વારકા શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ખેડૂતોએ પોતાના પાક માટે લણણીની તૈયારી કરી છે ત્યાં ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. મગફળી, કપાસ અને અન્ય શિયાળુ પાકોને આ કમોસમી માવઠાથી મોટું નુકસાન પહોંચ્યું છે. જેના કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે.













