ગુજરાતમાં ચોમાસાની જોરદાર શરૂઆત થઈ ગઈ છે. રાજ્યભરમાં ચોમાસાની પહેલી સિઝનમાં જ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી. ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સોસાયટીઓમાં પાણી ઘૂસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. વરસાદી ઋતુમાં બીમારીઓનો પ્રકોપ જોવા મળ્યો. હોસ્પિટલોમાં દર્દીઓને લાંબી લાઈન અને સામાન્ય સમસ્યામાં કેટલાક લોકોના મોત થતા તંત્ર સફાળુ જાગ્યું.
વરસાદના કારણે બીમારીઓનું વધ્યું પ્રમાણ
વરસાદના કારણે વિસ્તારોમાં પાણી ભરાતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. ગંદકીના કારણે માખી અને મચ્છર તેમજ ઇયળ જેવા જીવજંતુઓના કારણે બીમારીઓ ફેલાય છે. ખાસ કરીને આ સિઝનમાં મચ્છર જન્ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. હાલમાં વરસાદના કારણે લોકોમાં શરદી અને ઉધરસની સામાન્ય સમસ્યા સાથે ફલુ, ડેન્ગ્યુ અને કોલેરા જેવી બીમારી જોવા મળી. જેને લઈને ગાંધીનગર મનપા દ્વારા રોગચાળો અટકાવવા કવાયત હાથ ધરવામાં આવી.
રોગચાળો અટકાવવા મનપાની કવાયત
ગાંધીનગર મનપાએ રોગચાળો અટકાવવા શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજ, સિવિલમાં ચેકિંગ હાથ ધર્યું. મનપાએ ગંદકી રાખવા બદલ 14 જેટલા એકમોને નોટિસ ફટકારી. આ ઉપરાંત ગાંધીનગર સિવિલની કેન્ટીનને પણ પાણીનો ભરાવો, મચ્છરોના સંક્રમણ જોવા મળતાં નોટિસ ફટકારવામાં આવી. મનપા દ્વારા અનેક વિસ્તારોમાં રોગચાળો રોકવા સોસાયટીની છત તેમજ નીચેના અન્ડરગ્રાઉન્ડ વિસ્તારમાં દવા છંટકાવ કરાઈ. હાલમાં મનપાએ પ્લોટ નં 152-1 અનાબડવાટિકા સોસાયટી સેક્ટર 23, ગાંધીનગર, બોરિજ, ઘનશ્યામ ગઢ, સેક્ટર 8માં દવા છંટકાવ કર્યો.
વરસાદી આફતમાં લોકોને સહાયનો પ્રયાસ
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં ગત સપ્તાહમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદના વિરામ બાદ પણ પાણીનો નિકાલ ના થતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે અધિકારીઓનો ઉધડો લીધો હતો. જેના બાદ તાત્કાલિક કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વરસાદી પાણીના કારણે થતે લોકોની હાલાકી તેમજ તૂટેલા રોડ અને રસ્તાઓના કામગીરી કરવાના નિર્દેશ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મંત્રીઓ અને પ્રભારી સચિવોને ફિલ્ડ ઉપર ઉતરી વાસ્તિક સ્થિતિનું મૂલ્યાંકન કરી જરૂરી કામગીરી કરવાના આદેશ આપ્યા હતા.