મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓને આ કમોસમી વરસાદથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી પહોંચીને જિલ્લા વહીવટી તંત્રને પરિસ્થિતિને પહોંચી વળવાનું માર્ગદર્શન આપવાના દિશાનિર્દેશો આપ્યા હતાં. જેને લઈને નવા નિમાયેલા મંત્રીઓ માવઠાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલી નુકસાનીનો તાગ લેવા માટે પહોંચ્યા હતાં. અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમ્ન વાજાએ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી હતી.
વેરાવળ, ઉના, કોડીનાર અને સુત્રાપાડાની મુલાકાત
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો.પ્રદ્યુમન વાજાએ આજે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ, ઉના, કોડિનાર અને સુત્રાપાડાની મુલાકાત લીધી હતી. આ વિસ્તારોમાં માત્ર ચાર ઈંચ વરસાદથી ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે. બંને મંત્રીઓએ 15 જેટલા અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન માવઠાને કારણે મગફળી અને ઘાસચારાને નુકસાન થયું હોવાનો મંત્રીઓએ સ્વીકાર કર્યો હતો.













