રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૧૧ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૬૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૬૮.૭૯ ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં જ્યારે પૂર્વ-મધ્યમમાં ૬૬.૫૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૬.૨૧ ટકા, કચ્છમાં ૬૫.૧૩ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૫૬.૩૧ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC,ગાંધીનગરની દ્વારા જણાવાયું છે.
કુલ ક્ષમતાના ૭૫ ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે
વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૫૨ ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨૫ ડેમ એલર્ટ પર તેમજ ૨૬ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૭૫ ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.
તા. ૧૧ થી ૧૪ ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા IMD દ્વારા જણાવાયું છે
ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ ૮૨.૩૫ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૨૦ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં ૨.૬૫ લાખ હેક્ટરમાં સોયાબીન જ્યારે ત્રીજા ક્રમમાં ૨.૬૪ લાખ હેક્ટર વિસ્તારમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમ, કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે. ગુજરાતના માછીમારોને તા. ૧૧ થી ૧૪ ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા IMD દ્વારા જણાવાયું છે. હાલની સ્થિતિમાં ગુજરાતના તમામ ગામોમાં વીજ પુરવઠો તેમજ એસ.ટી બસના તમામ ૧૪,૫૯૮ રૂટ પર ૪૦,૨૬૪ ટ્રીપ કાર્યરત છે.