રાજ્યમાં સૌરાષ્ટ્ર તથા ઉત્તર મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મહેરબાની કરી છે અને નદીનાળા છલકાઇ ગયા છે. ભારે વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઇ ગયું છે. જો કે હજું પણ આગામી 30 તારીખ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આજે જૂનાગઢ, સાબરકાંઠા, મહેસાણા તથા અરવલ્લી જિલ્લામાં વરસાદનું ઓરેન્ડ એલર્ટ અપાયું છે તો આવતીકાલે 25 ઓગષ્ટે અમદાવાદમાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે. આજે 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 17 જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયું છે.


સાબરમતીના જળસ્તરમાં વધારો

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ધરોઇ ડેમમાંથી પાણી છોડાયું છે જેથી અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે થઇ છે . સાબરમતીના જળસ્તરમાં વધારો થતા વોક વે પર પ્રતિબંધ મુકાયો છે અને વોક વે પર સિક્યુરીટી પણ વધારવામાં આવી છે તથા વોક વે પરથી મુલાકાતીઓને દૂર કરાયા છે. સાબરમતીમાં પાણી વધતાં વાસણા બેરેજના 24 ગેટ ખોલવામાં આવ્યા છે. સાબરમતીમાં પાણી વધતાં રેતી ભરવા ગયેલા 7 યુવકો ફસાયા હતા જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં પણ ઠેર ઠેર ભારે વરસાદ

તો બીજી તરફ રાજકોટમાં પણ ભરપૂર વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદના કારણે રાજકોટનો આજી ડેમ ઓવરફ્લોની તૈયારીમાં છે. વરસાદથી ડેમમાં પાણીની ભારે આવક નોંધાઇ છે પરિણામે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે અને નદી કાંઠા પાસેથી લોકોને ખસી જવા સૂચના અપાઇ છે. ગમે ત્યારે ડેમમાંથી પાણી છોડાઇ શકે છે . ભારે વરસાદના કારણે પોપટપરાનું ગરનાળું ભરાઇ ગયું છે. સૌરાષ્ટ્રમાં જામજોધપુરમાં 4 ઈંચ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના કારણે શહેરમાં અનેક સ્થળે ઘૂંટણસમાં પાણી ભરાયા છે જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ દ્વારકાના ભાણવડમાં વર્તુળ 2 ડેમમાં પાણીની આવક થતાં ડેમનાં 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક થઇ છે. નદીના પટમાં ન જવા લોકોને સૂચના અપાઇ છે.

દક્ષિણ ગુજરાતમાં પણ મેઘો જામ્યો

તો સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘો જામ્યો છે અને ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લાના વ્યારા, સોનગઢ, વાલોડ અને ડોલવણમાં વરસાદ થયો છે તો ઉચ્છલ, નિઝર અને કુકરમુંડામાં પણ વરસાદ નોંધાયો છે. સારા વરસાદના કારણે જિલ્લામાં ડાંગરની ખેતીને ફાયદો થશે.

ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ

આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડી રહ્યો છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં સારો વરસાદ પડ્યો છે. રાધનપુરમાં અનેક વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે. બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે મોટાભાગના જળાશયોમાં પાણીની આવક થઇ છે. ખેડબ્રહ્માના ખેડવા ડેમ, વણજ ડેમમાં પાણીની વધતા પાણી છોડવામાં આવ્યું છે જેથી આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાણીના કારણે ખેડબ્રહ્મા,અભપુર,આંતરસુમ્બાને એલર્ટ કરાયા છે જ્યારે મતાલી,બંધનાં,આંતરી,ઘોળીવાવ ગામ એલર્ટ કરાયા છે. ઉપરાંત શીલવાડ,દેરોલ,સદર કમ્પાને એલર્ટ કરાયા છે. નીચાણવાળા વિસ્તારને સાવચેત રહેવા સૂચના અપાઇ છે.


  • Follow us on: