રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે નિવેદન આપતા કહ્યું કે રાજ્ય સરકારે સમીક્ષા બેઠક કરી છે અને વરસાદની આગાહી પ્રમાણે પૂરતી તકેદારી રાખી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર પણ સજ્જ છે. હાલમાં NDRFની 12 અને SDRFની 20 ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવેલી છે.


NDRFની 12 અને SDRFની 20 ટીમ ડિપ્લોઈડ કરાઈ

અમદાવાદ, ભાવનગર, દ્વારકામાં NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવેલી છે. ત્યારે જૂનાગઢ, કચ્છ, મહેસાણામાં NDRFની 1-1 ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે. મહીસાગર, પોરબંદર, રાજકોટમાં NDRFની 1-1 ટીમ તથા સાબરકાંઠા, સુરત, વલસાડમાં પણ NDRFની 1-1 ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ સાથે જ SDRFની 20 ટીમ પણ અલગ અલગ જિલ્લાઓમાં ડિપ્લોઈડ કરવામાં આવી છે.

રાજ્યમાં 2 વાગ્યા સુધી 134 તાલુકાઓમાં વરસાદ

તમને જણાવી દઈએ કે આજે સવારથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 134 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 6.18 ઈંચ, રાજકોટના પડધરીમાં 3.15 ઈંચ, જામકંડોરણામાં 2.83 ઈંચ, પોશીનામાં 2.72 ઈંચ, તલોદમાં 2.52 ઈંચ, પ્રાંતિજમાં 2.52 ઈંચ, બોટાદમાં 2.4 ઈંચ, ઉમરગામમાં 2.28 ઈંચ, ભિલોડામાં 1.73 ઈંચ અને કડીમાં 1.69 ઈંચ વરસાદ વરસ્યો છે.

રાપરમાં અંદાજે દોઢથી બે ઇંચ વરસાદ

કચ્છના રાપર તાલુકામાં ગઈ કાલે અઢીથી ચાર ઈંચ વરસાદ વરસ્યો છે, ત્યારે આજે બપોરે અઢી વાગ્યાની આસપાસ હવામાન વિભાગની આગાહી અનુસાર ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો, અંદાજે દોઢ બે ઈંચ વરસાદ વરસ્યો હતો. રાપર તાલુકાના તમામ ગામોમાં વરસાદ વરસ્યાના અહેવાલો છે. ચોમાસુ પાક માટે આ વરસાદ અતિ ઉત્તમ સાબિત થશે, સતત અડધા પોણો કલાક સુધી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

  • Follow us on: