ગુજરાતમાં અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ જોવા મળ્યો. છેલ્લા કેટલાક દિવસોથી સુરત, વડોદરા અને છોટાઉદેપુર સહિતના વિસ્તારો વરસાદનું જોર જોવા મળ્યું. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ મેઘરાજાનું જોર વધશે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. 


રાજ્યમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે. લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય અને ટ્રફ લાઈન પસાર થતા રાજ્યમાં હજુ પણ વરસાદનું જોર વધશે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈ સરકાર પણ એલર્ટ છે તેવું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. વધુમાં તેમણે કહ્યું કે અમે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને વધુ ગંભીર છીએ. અને આ માટે રાજ્ય સરકારે સમીક્ષા બેઠક પણ કરી છે. વરસાદના કારણે ઉદ્ભવેલ સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરાયા છે.

જાણો ક્યાં કયાં આપ્યું રેડ અને યલો એલર્ટ

હવામાન વિભાગે રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરતા કેટલાક જિલ્લાઓમાં એલર્ટ જારી કર્યું. બનાસકાંઠા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં અત્યંત અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. સાબરકાંઠા, મહેસાણા, ભારે વરસાદનું રેડ એલર્ટ અને પાટણ, મોરબીમાં ઓરેન્જ એલર્ટ અને રાજકોટ, બોટાદ, ગાંધીનગર, ખેડા અને મહીસાગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું. તો અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. 

રાજ્યમાં 2 વાગ્યા સુધી 134 તાલુકાઓમાં વરસાદ

રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે. આજે 6 સપ્ટેમ્બરના રોજ 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 6.18 ઈંચ વરસાદ, રાજકોટના પડધરીમાં 3.15 ઈંચ વરસાદ, જામકંડોરણામાં 2.83 ઈંચ, પોશીનામાં 2.72 ઈંચ, તલોદમાં 2.52 ઈંચ, પ્રાંતિજમાં 2.52 ઈંચ વરસાદ, બોટાદમાં 2.4 ઈંચ, ઉમરગામમાં 2.28 ઈંચ વરસાદ અને ભિલોડામાં 1.73 ઈંચ, કડીમાં 1.69 ઈંચ વરસાદ ખાબક્યો.

  • Follow us on: