એક તરફ ભારે વરસાદ પડી રહ્યો છે અને ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવતા નર્મદા ડેમમાંથી પણ પાણી થોડાઇ રહ્યું છે જેના કારણે ભરુચ પાસે ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદી ભયજનક સપાટી વટાવી ગઇ છે. જેથી લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે.


નર્મદા નદી હવે ભયજનક સપાટી પણ વટાવી ગઇ

નર્મદા નદીના કાંઠે ભરુચ, વડોદરા અને નર્મદા જિલ્લાના 27થી ગામોમાં નર્મદાના પૂરના પાણી ફરી વળ્યા છે. નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે. ભરુચ ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની ભયનજક સપાટી 24 ફૂટ છે પણ નર્મદા નદી હવે ભયજનક સપાટી પણ વટાવી ગઇ છે અને હાલ નર્મદા નદી 27 ફૂટ નજીક વહી રહી છે પરિણામે નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે.

નર્મદા નદીના કાંઠે બનાવાયેલા ઘાટો પણ હવે ડૂબવા લાગ્યા

નર્મદાની સપાટી સતત વધી રહેતા નદી કાંઠાના વિસ્તારોમાં સવારથી જ પાણી ભરાવાની શરુઆત થઇ ગઇ છે. નદી કાંઠાની આસપાસના ખેતરો તો જળબંબાકાર બની ગયો છે અને ગામોમાં પણ નદીના પાણી પ્રવેશવા માંડ્યા છે. વિવિધ સ્થળોએ નર્મદા નદીના કાંઠે બનાવાયેલા ઘાટો પણ હવે ડૂબવા લાગ્યા છે.

કાલાઘોડા પાસે વિશ્વામિત્રી નદી 12 ફૂટની ઉપર વહી રહી

બીજી તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આજે સવારે વડોદરાના આજવા સરોવરમાં દરવાજા ખોલવામાં આવ્યા હતા પણ બપોર બાદ આજવા સરોવરના દરવાજા બંધ કરી દેવાયા છે. આજવા સરોવરમાં કાલાઘોડા પાસે વિશ્વામિત્રી નદી 12 ફૂટની ઉપર વહી રહી છે. સવારે જ્યારે આજવા સરોવરમાંથી પાણી છોડાયું ત્યારે વિશ્વામિત્રીનું જળસ્તર 213 ફૂટ ઉપર પહોંચી ગયું હતું

મહીસાગર નદી પણ ગાંડીતૂર

આ તરફ મહીસાગર નદી પણ ગાંડીતૂર બની છે અને મહી કાંઠે આવેલા ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. મહીસાગર જિલ્લામાં મહી નદીનો તાંત્રોલી પુલ બંધ કરી દેવાયો છે કારણ કે પાણી પુલ પર ફરી વળ્યા છે તો મલેકપુરથી ખાનપુરને જોડતો પુલ પણ બંધ કરી દેવાયો છે.

મહિસાગરનું રૌદ્ર સ્વરૂપ

આણંદના ઉમેટા પાસે મહીસાગર નદીમાં ભારે પૂર જોવા મળી રહ્યું છે. મહિસાગરનું રૌદ્ર સ્વરૂપ જોવા લોકો ઉમેટા બ્રિજ અને નદી કાંઠે લોકો ઉમટ્યા છે. નર્મદા અને મહીસાગર નદીમાં આવેલા પ્રચંડ પૂરના કારણે આસપાસના ગામોના લોકોને સ્થળાંતર પણ કરાયા છે અને વહીવટતંત્ર સતત સ્થિતી પર નજર રાખી રહ્યું છે.


  • Follow us on: