સામાન્ય રીતે લોકો પોતાનો કે કોઈ મિત્ર, સ્વજનનો જન્મદિવસ હોય અથવા ઉજવણી કરવાની હોય ત્યારે કેક કાપી ઉજવણી કરતા હોય છે, પરંતુ જામનગર શહેરના વોર્ડ નંબર 12ના સ્થાનિક કોર્પોરેટરોએ ખરાબ રોડ રસ્તાને 5-5 વર્ષ થઈ ગયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતનું રોડ પર કામકાજ ના કરવામાં આવતા રોડને પાટાપિંડી કરી કેક કાપીને વિરોધ નોંધાવ્યો છે.


મહાનગરપાલિકાના અધિકારીઓને કુંભકર્ણની નિદ્રામાંથી જગાડવાનો પ્રયાસ

જામનગર શહેરમાં ઘણા લાંબા સમયથી શહેરના દરબારગઢથી લઈ અન્નપૂર્ણા સર્કલ સુધી રોડ-રસ્તા બિસ્માર હાલતમાં છે. આ રોડ પરથી અંદાજે દરરોજ 5,000થી વધુ લોકો અવર જવર કરતા હોય છે. બીજી તરફ રાત્રિના સમયે ઘણી વખત લોકો આ ખાડામાંથી પસાર થતી વખતે અકસ્માતનો ભોગ બને છે અને ખાડામાં પડે છે. જેના કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થાય છે. સ્થાનિક નગર સેવકો દ્વારા આ બાબતે ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવા આક્ષેપ સ્થાનિક અને નગરસેવકો દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓને કુંભકર્ણની નિદ્રામાંથી જગાડવા આજે વોર્ડ નંબર 12ના કોર્પોરેટરોએ સ્થાનિક લોકોને સાથે રાખી રોડ પર પાટાપીંડી કરી ખાડા નગરી તરીકેની કેક કાપી એક અનોખો વિરોધ કર્યો હતો. જો આ રોડ રસ્તા તાત્કાલિક રીપેર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર રજૂઆત સાથે આંદોલનની ચીમકી નગરસેવકોએ ઉચ્ચારી છે.

ધ્રોલ શહેરમાં જૂનું બિલ્ડિંગ ધરાશાયી થયું

બીજી તરફ જામનગરના ધ્રોલ શહેરમાં જૂનું બિલ્ડિંગ ધરાશાયી થયું છે. ધ્રોલના મેમણ ચોક વિસ્તારમાં આવેલું એક જૂનું બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતા આસપાસ હાહાકાર મચી ગયો હતો. ધરાશાયી થયેલી બિલ્ડિંગ નીચે કેટલાક વાહનો દટાયા છે, જેમાં ખાસ કરીને મોટરસાઈકલનો સમાવેશ થાય છે. જોકે કોઈ વ્યક્તિ દટાયા છે કે નહીં તેની હજુ સુધી ચોક્કસ માહિતી મળી શકી નથી. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ તંત્રને કરી હોવા છતાં ઘટના બન્યા પછી દોઢ કલાક વીતી જતા પણ તંત્ર સ્થળ પર પહોંચ્યું ન હતું, જેને કારણે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આસપાસના રહેવાસીઓ અને વેપારીઓએ પોતાની મદદથી બચાવ અને શોધખોળ કામગીરી શરૂ કરી છે. હાલ સ્થળ પર લોકોની ભારે ભીડ એકઠી થઈ છે અને તંત્રની બેદરકારી અંગે ચર્ચાઓ ગરમાઈ છે.

  • Follow us on: