જામનગર શહેરમાં વરસાદી માહોલ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાને કારણે રોડ રસ્તાની સમસ્યાથી લોકો પરેશાન થયા છે. ત્યારે જામનગર શહેરમાં આવેલા વોર્ડ નંબર 15માં સિલ્વર પાર્ક, સહજાનંદ સોસાયટી, તુલસી પાર્ક સોસાયટી સહિતના આસપાસના વિસ્તારોના રહીશો લાંબા સમયથી રસ્તા ન બનતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
નગરસેવકો આપે છે માત્ર આશ્વાસન
જામનગર શહેરમાં વરસાદની સારી પધરામણી થઈ ચુકી છે તો બીજી તરફ જે વિસ્તારમાં વરસાદ બાદ પાણી ભરાયા છે, ત્યાં લોકો રસ્તાના કારણે હેરાન-પરેશાન બન્યા છે. જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા સિલ્વર પાર્ક, સહજાનંદ સોસાયટી, તુલસી પાર્ક સોસાયટી સહિતના વિકસિત એરિયાઓમાં છેલ્લા 5 વર્ષથી ચોમાસા બાદ ખરાબ રસ્તા, કાદવ, ગંદા પાણીનો સામનો 1,400થી 1,600 જેટલા સ્થાનિકો કરી રહ્યા છે. આ વિસ્તારના નગરસેવક પાણી ભરાયેલા શેરી-મહોલ્લામાં કપચી-મોરમ નાખી આપે છે, પરંતુ સ્થાનિકો આ કપચી-મોરમ જાત-મહેનતે તેના ઘર પાસે પાથરી નગરસેવકોનું આશ્વાસન દર વર્ષની જેમ જીલે છે.
સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે વરસાદ બાદ ઘરની બહાર નીકળવું કપરું બની જાય છે. કાદવ અને ખાડા ભરેલા રસ્તાઓને કારણે વાહનવ્યવહાર તથા રોજિંદી આવન-જાવનમાં મુશ્કેલી સર્જાય છે. આ વિસ્તારમાં કેટલીક મહત્વની શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી હોવાથી નાના બાળકોને શાળાએ જવા-આવવામાં તકલીફો ઉભી થઈ રહી છે. વાલીઓએ પણ વારંવાર આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. રહેવાસીઓએ અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં અત્યાર સુધી કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોની માગ છે કે આ સોસાયટી વિસ્તારોમાં તાત્કાલિક રોડનું કામ શરૂ કરવામાં આવે, જેથી લોકોની લાંબા સમયથી ચાલતી અવર-જવરની સમસ્યાનો ઉકેલ આવી શકે.