કચ્છમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે જિલ્લા પંચાયત હસ્તકનાં નાની સિંચાઇનાં ૧૭૦ ડેમમાંથી ૮૨ ડેમમાં નવા નીરનું આગમન થયું છે. જ્યારે ૮ ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. જ્યારે બાકીનાં ૮૦ ડેમમાં હજુ પણ સીલ લેવલ કરતાં પાણી નીચે જોવા મળી રહ્યું છે. મહત્ત્વની બાબત એ છે કે, છેલ્લા બે દિવસમાં ભુજ, નખત્રાણા પંથકમાં ખાબકેલા ભારે વરસાદને કારણે નાની સિંચાઇના અત્યાર સુધીમાં ૮ ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. જ્યારે ૮૦ ડેમમાં નવા નીરનું આગમન થયુ છે.
15 દિવસથી અવિરતપણે પડી રહેલા વરસાદને કારણે પાણીની આવક
એટલું જ નહીં જિલ્લાના વિવિધ તળાવો, નદી, નાળામાં પણ નવા નીર આવી રહ્યા છે, તો અમુક વિસ્તારના તળાવો અને ચેકડેમો ઓવરફ્લો થઇ જતાં પશુપંખી સહિતના લોકો માટે પાણીનું સંકટ ટળ્યું છે. જિલ્લા પંચાયતનાં સિંચાઇ વિભાગનાં સૂત્રોમાંથી મળતી વધુ માહિતી મુજબ જિલ્લામાં ૧૫ દિવસથી અવિરતપણે પડી રહેલા વરસાદને કારણે વિવિધ તાલુકાઓમાં સારા એવા પ્રમાણમાં વરસાદ પડયો છે, જેના પરિણામે આ વિભાગ હસ્તકના નાની સિંચાઇના ૧૭૦ ડેમમાંથી ૮ ડેમ ઓવરફ્લો થયા છે. જ્યારે ૮૨ ડેમમાં નવા નીર આવ્યા છે. જ્યારે બાકીનાં ૮૦ ડેમોમાં હજુ પણ સીલ લેવલથી નીચે પાણીનો જથ્થો જોવા મળી રહ્યો છે.
ઓવરફ્લો થયેલા નાની સિંચાઇના આઠ ડેમો
જીલ્લા પંચાયત હસ્તકના નાની સિંચાઇનાં ૧૭૦ ડેમમાંથી અત્યાર સુધીમાં ૮ ડેમ ઓવરફ્લો થઇ ગયા છે, જેમાં ભુજ તાલુકાનો સામત્રા ડેમ, ચુનડી ડેમ, માંડવી તાલુકાનો ઘોડાલખ ડેમ, મુન્દ્રા તાલુકાનો ગેલડા ડેમ અને નખત્રાણા તાલુકાનો ગડાપુઠા ડેમ, ખારડિયા ડેમ, કોટડા રોહા ડેમ અને ઉમરાપર ડેમનો સમાવેશ થાય છે.
૮૨ ડેમમાં નવા પાણીની આવક થતાં જળસંગ્રહ
નાની સિંચાઇનાં જે ૧૭૦ પૈકી ૮૨ ડેમમાં નવા નીરનું આગમન થયું છે, તેમાં ભુજ તાલુકાના ૩૫ પૈકી ૨૬ ડેમમાં, અંજાર તાલુકાનાં ૧૨ પૈકી ૩ ડેમમાં, માંડવી તાલુકાનાં ૨૧ પૈકી ૨૦ ડેમમાં, મુન્દ્રા તાલુકાનાં ૧૧ માંથી ૭ ડેમમાં, નખત્રાણા તાલુકાનાં ૧૬ માંથી ૧૧ ડેમમાં નવા નીર આવ્યા છે. જ્યારે ૪ ડેમ ઓવરફ્લો થયા છે. આ જ રીતે લખપતનાં ૧૭ પૈકી ૫ ડેમમાં, અબડાસાનાં ૨૪ માંથી ૫ ડેમમાં, રાપરનાં ૧૬ પૈકી ૪ ડેમમાં અને ભચાઉ તાલુકાનાં ૧૮ માંથી ૧ ડેમમાં પાણીની આવક થઇ છે.