કચ્છમાં છેલ્લા બાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે જિલ્લા પંચાયત હસ્તકના નાની સિંચાઈના 170 ડેમમાંથી 67 ડેમમાં નવા નીરનું આગમન થયું છે. જ્યારે 1 ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. જ્યારે બાકીના 102 ડેમમાં હજુ પણ સીલ લેવલ કરતાં પાણી નીચે જોવા મળી રહ્યું છે. મહત્ત્વની બાબત એ છે કે, જિલ્લાનાં સાત તાલુકાઓમાં અત્યાર સુધીમાં પાંચ ઇંચથી પણ વધુ વરસાદ પડી ચૂક્યો છે. તેમાંય નખત્રાણા, માંડવી, મુન્દ્રા અને ગાંધીધામાંતો 7થી 10 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો હોવા છતાં પણ નાની સિંચાઈના ડેમો ઓવરફ્લો થયા નથી તે જોતા વરસાદી પાણીના વહેણો અવરોધાઈ રહ્યા હોવાનું પણ ચિત્ર ઉપસી રહ્યું છે.
170 ડેમમાંથી 67 ડેમમાં નવા નીર આવ્યા
વિવિધ તાલુકાઓમાં પડેલા વરસાદ ઉપર નજર કરવામાં આવે તો અત્યાર સુધીમાં લખપત તાલુકામાં ૧૦૪ મિમી, રાપરમાં ૧૮૨ મિમી, ભચાઉમાં ૧૧૫ મિમી, અંજારમાં ૧૨૭ મિમી, ભુજમાં ૧૩૯ મિમી, નખત્રાણામાં ૧૯૪ મિમી, અબડાસામાં ૯૦ મિમી, માંડવીમાં ૨૪૧ મિમી, મુન્દ્રામાં ૧૮૪ મિમી અને ગાંધીધામ તાલુકામાં ૨૧૭ મિમી વરસાદ વરસી ચૂક્યો છે. જેને કારણે જિલ્લાનાં વિવિધ તળાવો, નદી, નાળામાં પણ નવા નીરનું આગમન થયું છે. તો અમુક વિસ્તારોનાં તળાવો અને ચેકડેમો ઓવરફ્લો થઇ જતાં પશુ-પંખી સહિતનાં લોકો માટે પાણીનું સંકટ ટળ્યું છે.
જિલ્લા પંચાયતનાં સિંચાઈ વિભાગના સૂત્રોમાંથી મળતી વધુ માહિતી મુજબ જિલ્લામાં છેલ્લા બાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે ત્રણેક તાલુકાઓમાં સારાએવા પ્રમાણમાં વરસાદ પડયો છે, જેના પરિણામે આ વિભાગ હસ્તકનાં નાની સિંચાઇનાં ૧૭૦ ડેમમાંથી ૬૭ ડેમમાં નવા નીર આવ્યા છે. જ્યારે નખત્રાણા તાલુકાઓનાં ૧૬ ડેમમાંથી એક માત્ર ખારડિયા ડેમ ઓવરફ્લો થયો છે. બાકીનાં ડેમોમાં હજુ પણ સીલ લેવલથી નીચે પાણીનો જથ્થો જોવા મળી રહ્યો છે.
પાણીની આવક થઈ તેવા ડેમોની યાદી
જિલ્લા પંચાયત હસ્તકનાં નાની સિંચાઇનાં જે ૧૭૦ ડેમમાંથી ૬૭ ડેમમાં નવા નીર આવ્યા તેમાં ભુજ તાલુકામાં ૩૫ ડેમમાંથી ૧૨ ડેમમાં, અંજાર તાલુકાનાં ૧૨ ડેમમાંથી ૨ ડેમમાં, માંડવી તાલુકાનાં ૨૧ ડેમમાંથી ૧૮ ડેમમાં, મુન્દ્રા તાલુકાનાં ૧૧ ડેમમાંથી ૭ ડેમમાં, નખત્રાણા તાલુકાનાં ૧૬ ડેમમાંથી ૧૩ ડેમમાં નવા નીર આવ્યા છે. જ્યારે ૧ ડેમ ઓવર ફ્લો થયો છે. આ જ રીતે લખપતનાં ૧૭ ડેમમાંથી ૪ ડેમમાં, અબડાસાનાં ૨૪ ડેમમાંથી ૫ ડેમમાં, રાપરનાં ૧૬ ડેમમાંથી ૫ ડેમમાં અને ભચાઉ તાલુકાનાં ૧૮ ડેમમાંથી ૧ ડેમમાં પાણીની આવક થઈ છે.