મોરબીમાં કમોસમી વરસાદને પગલે જળસપાટીમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મચ્છુ-3 ડેમનો એક દરવાજો 1 ઇંચ જેટલો ખોલવામાં આવ્યો છે. ડેમમાં પાણીની આવક અને જાવક સમાન રહેતા નદીના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરવાસ અને આસપાસના વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદના કારણે મચ્છુ-3 ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમમાં હાલમાં 78 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
78 ક્યુસેક પાણીની આવક સામે 78 ક્યુસેક જાવક
જેની સામે રૂલ લેવલ જાળવવા માટે ડેમનો એક દરવાજો એક ઇંચ ખોલીને 78 ક્યુસેક પાણીનો નિકાલ નદીમાં કરવામાં આવી રહ્યો છે. પાણીનો પ્રવાહ નદીમાં છોડવામાં આવતાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ એલર્ટમાં મોરબી તાલુકાના 13 ગામો અને માળિયા તાલુકાના 8 ગામોનો સમાવેશ થાય છે.













