મોરબી જિલ્લાના ટંકારા નજીક આજે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. જેમાં શોપિંગ સેન્ટરના બાંધકામની કામગીરી દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થતાં એક શ્રમિકનું કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક શ્રમિકને ઇજા પહોંચી છે. ટંકારા નજીક આવેલા શ્રુતિ વનની જગ્યામાં એક શોપિંગ સેન્ટરનું બાંધકામ ચાલી રહ્યું હતું. આ બાંધકામની કામગીરી દરમિયાન સિમેન્ટના બ્લોક વડે બનાવવામાં આવેલી એક દીવાલ અચાનક તૂટી પડી હતી અને તેની નીચે ત્યાં કામ કરી રહેલા શ્રમિકો દબાઈ ગયા હતા.
શોપિંગ સેન્ટરના બાંધકામ દરમિયાન દીવાલ પડી
દીવાલ ધરાશાયી થવાના આ ગંભીર અકસ્માતમાં એક મજૂરનું ઘટનાસ્થળે જ દબાઈ જવાથી મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એક શ્રમિકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને અન્ય શ્રમિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. ઇજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.













