ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો. ભારે વરસાદના કારણે 24 કલાકની અંદર સરદાર ડેમની સપાટી 127.74 મીટરે પહોંચી. ઉપરવાસમાંથી પાણી આવક વધતા ડેમમાં 2,22,059 ક્યુસેક પાણીની આવક થઈ. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમમાં પાણીની આવક વધતા આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ભારે વરસાદથી ડેમની સપાટીમાં વધારો
નર્મદા સરદાર સરોવર ડેમમાં હાલ પાણીનો લાઇવ જથ્થો 1870.40 MCM છે. ઉપરવાસ અને છેલ્લા કેટલાક દિવસોમાં ધોધમાર વરસાદના પગલે ડેમમાં પાણીનીની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ડેમમાં પાણીની આવક થતા RBPH CHPH પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યો છે. ચોમાસાના આરંભે જ નર્મદા ડેમ 60 ટકા ઉપર સુધી ભરાઈ ગયો. 12 દિવસ પહેલા ડેમમાં 68,786 ક્યુસેક પાણીની આવક હતી અને સપાટી 121.40 મીટરે પહોંચી હતી. જો કે છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને પગલે હાલમાં જળસ્તરમાં વધારો થતા ડેમની સપાટી 127.74 મીટરે પહોંચી છે.
નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ
નર્મદા ડેમમાં પાણીની આવક વધતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ગામોમાં ડભોઈના ચાંદોદ, કરનાળી, નંદિરેયા ગામ અને શિનોરના અંબાલી, બરકાલ, દિવેર ગામ તથા શિનોરના માલસર, દરિયાપુરા, ઝાંઝડ, કંજેઠા, જુના સાયર, સાગરોલ તથા ઓઝ, સોમજ, દેલવાડા, મોલેથા, કરજણના પુરા, આલમપુરા, કરજણના રાજલી સહિતના ગામનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંઘાયો છે. જેમાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 2.13 ઇંચ વરસાદ અને વઘઇ અને ડાંગમાં 1.7 ઇંચ વરસાદ નોંધાયો.