દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદનો માર યથાવત રહેતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. હવામાનમાં અચાનક પલટો આવવાથી જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ગઇકાલથી જ શરૂ થયેલા આ કમોસમી વરસાદે આજે પણ પોતાનું જોર જાળવી રાખ્યું હતું. વરસાદ માત્ર ગ્રામ્ય વિસ્તારો પૂરતો સીમિત ન રહેતા શહેરી વિસ્તારોમાં પણ જોરદાર ઝાપટાં પડ્યા હતા.
ગ્રામ્ય સહિત શહેરી વિસ્તારોમાં પણ વરસાદ
જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું. જોકે આ માવઠાનો સૌથી મોટો ફટકો જગતના તાત એવા ખેડૂતોને પડ્યો છે. નવસારી જિલ્લાના ખેતરોમાં હાલમાં વિવિધ પાકો તૈયાર થઈને ઊભા છે. સતત બીજા દિવસે પડેલા આ વરસાદને કારણે ખેતરોમાં તૈયાર પડેલો પાક સંપૂર્ણપણે પલળી ગયો છે. પાક પલળી જવાના કારણે તેની ગુણવત્તા બગડી જશે અને ખેડૂતોને તેની બજારમાં યોગ્ય કિંમત મળશે નહીં.













