નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામ ખાતે ફટાકડાના ગેરકાયદેસર વેચાણ અને મોટા પ્રમાણમાં સ્ટોક કરેલા ગોડાઉનને લઈને આજે ભારે વિરોધ જોવા મળ્યો હતો. લાયસન્સ વગર ફટાકડા વેચતી દુકાનો સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં ધારાસભ્ય અનંત પટેલ અને સ્થાનિક ગ્રામજનોએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. જેના પગલે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. ઉનાઈ ગામે કેટલાક વેપારીઓ દ્વારા લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ થઈ રહ્યું હતું અને જોખમી રીતે મોટા જથ્થામાં ફટાકડાનો સ્ટોક ગોડાઉનમાં કરવામાં આવ્યો હતો.
લાયસન્સ વગરની દુકાન બંધ કરાવવા જતા થઈ બબાલ
આ અંગે ગામના આગેવાનો દ્વારા તંત્રને અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. ગામલોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ગ્રામજનો સાથે મળીને આ લાયસન્સ વગરની દુકાનો બંધ કરાવવા પહોંચ્યા હતા. આ દરમિયાન માહોલ ગરમાયો હતો અને વિરોધ ઉગ્ર બન્યો હતો. સ્થિતિ વધુ વણસે નહીં તે માટે ધારાસભ્ય અનંત પટેલ સહિત ગામના લોકો અને મોટી સંખ્યામાં અન્ય લોકોએ ભેગા મળીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.













