નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના એક સ્થાનિક નેતાએ જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કરીને વિવાદ ઊભો કર્યો છે. નવસારી ભાજપના યુવા મોરચા પ્રમુખ ભાવેશ પાટીલ ઉર્ફ સોનુ પાટીલે જાહેરમાં રોડ બ્લોક કરીને કેક કાપી હતી અને ધૂમધામથી પોતાનો બર્થ-ડે ઉજવ્યો હતો. આ ઉજવણી દરમિયાન તેમના સમર્થકોએ ભારે આતશબાજી પણ કરી હતી, જેને કારણે આસપાસના વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જાહેર રસ્તા પર આ પ્રકારની ઉજવણી કરવાથી કાયદાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું હોવા છતાં, પોલીસ દ્વારા કોઈ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા ન હોવાના આક્ષેપો ઊઠી રહ્યા છે, જેણે પોલીસની નિષ્ક્રિયતા પર સવાલ ઊભા કર્યા છે.


આવા બનાવોમાં સત્તા પક્ષના નેતાઓનો સહભાગ

જાહેર માર્ગ પર નિયમો નેવે મૂકીને જન્મદિવસની ઉજવણી કરવાનો આ ગુજરાતમાં પહેલો કિસ્સો નથી. અગાઉ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં પણ આવા અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. સુરતમાં ભાજપના કોર્પોરેટરો અને વોર્ડ પ્રમુખો દ્વારા પણ જાહેર રસ્તા પર કેક કાપવા અને આતશબાજી કરીને ઉજવણી કરવામાં આવી હતી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. વડોદરામાં પણ અસામાજિક તત્ત્વો દ્વારા કારના બોનેટ પર કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. આવા કિસ્સાઓમાં, સામાન્ય નાગરિકો સામે પોલીસ ત્વરિત કાર્યવાહી કરે છે, પરંતુ જ્યારે સત્તાધારી પક્ષના નેતાઓ કે કાર્યકરો આ પ્રકારનું કૃત્ય કરે છે, ત્યારે પોલીસનું વલણ ઘણીવાર નરમ જોવા મળે છે, જેણે 'કાયદો ફક્ત સામાન્ય જનતા માટે જ છે' તેવા આક્રોશને જન્મ આપ્યો છે.

કાયદાનું ઉલ્લંઘન અને પોલીસ કાર્યવાહીની માંગ

નવસારીમાં બર્થ-ડેની આ ઉજવણીનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. શહેરીજનોની માગ છે કે જાહેર માર્ગને અવરોધવા અને આતશબાજી કરીને જોખમ ઊભું કરવા બદલ યુવા મોરચા પ્રમુખ ભાવેશ પાટીલ સામે કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ. પોલીસ કમિશનરના જાહેરનામાનો સરાજાહેર ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ, પછી ભલે તે રાજકીય નેતા હોય, તેને છોડવો ન જોઈએ. નવસારી પોલીસ હવે આ વાયરલ વીડિયોને આધારે શું પગલાં લે છે અને શું ભાવેશ પાટીલ સામે કાયદાનો ડંડો વીંઝાય છે કે કેમ, તે જોવું રહ્યું. આ પ્રકારની ઉજવણી શહેરી વ્યવસ્થા અને નાગરિકોની સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે.



  • Follow us on: