ગુજરાતમાં દારુ અને જુગારના અડ્ડાઓ પર થતી પ્રવૃત્તિઓને ડામવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ સક્રિય થઈ ગઈ છે. ત્યાર નવસારીના વાંસદામાં દારૂના કટિંગ સ્થળે જ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં કૂલ 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને પોલીસને સોંપવામાં આવ્યા હતાં.


ભારતીય બનાવટના વિદેશી દારૂની 2019 બોટલો પકડી

પ્રાપ્ત વિગતો પ્રમાણે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, નિરપાન ગામમાં બુધિયાભાઈ દેશમુખના ફાર્મ પર દારૂનું કટિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન દારૂનું કટિંગ કરતા શખ્સો રંગે હાથે ઝડપાઈ ગયા હતાં. એસએમસીની ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂની 2019 બોટલો પકડી હતી. જેની કિંમત 3.61 લાખથી વધુ થાય છે.

કૂલ 10,46,916નો મુદ્દામાલ જપ્ત

આ ઉપરાંત એસએમસીની ટીમે ઘટના સ્થળેથી આરોપીઓ પાસેથી 35 હજારની કિંમતના પાંચ મોબાઈલ, ચાર વાહનો કબજે કર્યા હતાં. કૂલ 10,46,916નો મુદ્દામાલ જપ્ત કરીને એસએમસીની ટીમે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. આ પાંચેય આરોપીઓને વાંસદા પોલીસને સોંપ્યા હતાં. જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં. એસએમસીની રેડના કારણે વાંસદામાં બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો.


  • Follow us on: