નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ચીખલી સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ અને પવનને કારણે અસંખ્ય મકાનોના પતરાં ઉડી ગયા છે. અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયાં છે. નવરાત્રિના આયોજકોને પણ મોટુ નુકસાન થયું છે. વરસાદને કારણે અંબિકા નદીની સપાટીમાં ચાર કલાકમાં આઠ ફૂટનો વધારો થયો છે. નદીમાં જળસ્તર વધતાં પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે રાજ્યના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ નવસારીની મુલાકાત લીધી છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનની સ્થિતિની સમીક્ષા કરી
રાજ્ય સરકારના મંત્રી કનુભાઈ દેસાઈ આજે નવસારી પહોંચ્યા હતાં. તેમણે વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદને કારણે થયેલી અસરનો તાગ મેળવ્યો હતો. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત રાહત કામગીરી અંગે મીટિંગ કરીને ત્વરિત નિર્ણય લેવાની ખાતરી આપી હતી. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનની સ્થિતિની સમીક્ષા કરી હતી.













