રાજકોટમાં 1 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. વરસાદે તંત્રની પ્રિમુનસૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. રાજકોટ શહેરના રૈયા ચોકડી, એસ્ટ્રોન ચોક, 150 ફૂટ રીંગ રોડ,મોવડી ચોકડી અને મહિલા કોલેજ અંડર બ્રિજ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે.


 BRTS બસ પાણી ફસાઈ

રાજકોટમાં ભારે વરસાદથી પોપટપરામાં પાણી ભરાયા હતા. પોપટપરામાં BRTS બસ પાણી ફસાઈ હતી. BRTS બસમાં સવાર મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રાજકોટના ઉપલેટા શહેર અને ગ્રામ્યમાં વરસાદ પડ્યો હતો. મજેઠી, કુઢેચ, મોટી પાનેલી, સાતવડી, ગધેથળ સહિત ગામમાં વરસાદના કારણે રોડ ઉપર પાણી વહેતા થયા છે.

આગામી સાત દિવસ વરસાદની શક્યતા

હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં હાલમા ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ પણ વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • Follow us on: